દ્વારકા, જામનગર, પોરબંદર સહીતના ઓછા વરસાદવાળા ક્ષેત્રોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની AAPની માંગ, ઈસુદાન ગઢવીએ ધરણાં શરૂ કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસામાં અત્યાર સુધીમાં માત્ર 6.41 ટકા વરસાદ થયો છે. જેમાં ભાણવડમાં 9.75 ટકા, ખંભાળિયામાં 9.54 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા અને દ્વારકા તાલુકામાં માત્ર 2.28 ટકા વરસાદ પડયો છે
અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ચોમાસામાં ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો સરેરાશ વરસાદ માત્ર 6.41 ટકા થયો છે. આ સ્થિતિને જોતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા, જામનગર, પોરબંદર સહીતના ઓછા વરસાદવાળા રાજ્યના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી છે. આને લઈને 29 ઓગસ્ટથી તેમણે ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાલિન ધરણાં શરૂ કર્યા છે.
ઈસુદાન ગઢવી સાથે જોડાયેલા આંદોલનમાં આમ આદમી પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી છે કે ઓછા વરસાદવાળા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરયા. જરૂરિયાતવાળા વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવે. પશુપાલકોને નિશુલ્ક ઘાસચારો ઉપલબ્ધ કરાવાયા. અસરગ્રસ્ત ખેડૂતોના વીજબિલો માફ કરાય. ખેડૂતોને યોગ્ય રાહત અને સહાય મળે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસામાં અત્યાર સુધીમાં માત્ર 6.41 ટકા વરસાદ થયો છે. જેમાં ભાણવડમાં 9.75 ટકા, ખંભાળિયામાં 9.54 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા અને દ્વારકા તાલુકામાં માત્ર 2.28 ટકા વરસાદ પડયો છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 18.12 ટકા અને જામનગર જિલ્લામાં 28.88 ટકા વરસાદ નોંધયો છે. તેની સાથે જ રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ આશરે 75.23 ટકા નોંધાયો છે. આ વર્ષે ગુજરાતમાં વરસાદનું વિતરણ એકસરખું રહ્યું નથી. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ છે.
વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં જમીનમાં ભેજની અછત સર્જાઈ શકે છે. મગફળી, કપાસ, તલ, મગ, અડદ સહિતના પાક પર વરસાદની અછતના કારણ સૂકાઇ રહ્યો છે.
વરસાદની અછતનો બીજો મોટો ફટકો પશુપાલકોને પડી શકે છે. લીલા ઘાસચારાની અછત વધે તો પશુઆહારનો ખર્ચ વધી શકે છે અને તેની સીધી અસર પશુપાલન પર પડી શકે છે.