શું ગુજરાતમાં મંત્રીમંડળ બદલાશે કે સરકાર? CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી-જગદીશ વિશ્વકર્માની દિલ્હી મુલાકાત બાદ ચર્ચા તેજ
હાઈકમાન્ડે રાજ્ય સરકારની યોજનાઓ અને કામગીરીને લઈને વિગતવાર ફીડબેક માંગ્યા છે. જેના આધારે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ છે
આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. તેમણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. તેની સાથે અટકળો વહેતી થઈ છે કે ગુજરાતમાં ફરીથી મંત્રીમંડળમાં ફેરફાર થશે કે જૂના અનુભવો મુજબ ભાજપનું મોવડી મંડળ સરકાર જ બદલી નાખશે કે આ વખતે માત્ર યુવા ચહેરા તરીકે પ્રમોટ કરાયેલા હર્ષ સંઘવીને વધુ મોટી જવાબદારી આપવામાં આવશે? આ અટકળોના સ્વરૂપમાં રહેલા સવાલોના સાચા જવાબો તો સમય જ આપશે.
પણ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં નરેન્દ્ર મોદીના સીએમથી પીએમ બન્યા બાદના ઘટનાક્રમ પર નજર કરીએ, તો આવા સવાલોની અટકળો અને ચર્ચા સ્વાભાવિક છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા પછી આનંદીબહેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા. જો કે ગુજરાતમાં 2015માં પટેલ અનામત આંદોલન અને તેના પછી મુખ્યમંત્રીઓ બદલવાની શરૂઆત આનંદીબહેન પટેલથી થઈ હતી.2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી અને નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા.
તેના કોરોના કાળમાં તત્કાલિન સરકાર સામે કેટલાક સ્તરે અસંતોષ જોવા મળતા વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રીમંડળનું રાજીનામું લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના નવા મંત્રીમંડળને જવાબદારી સોંપવામાં આવી.ત્યારે ભૂપેન્દ્ર ભાઈના મંત્રીમંડળમાં વિજયભાઈ રૂપાણીની સરકારના મોટાભાગના મંત્રીઓને વિદાય અપાઈ હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો સાથે ભાજપે ફરીથી સરકાર બનાવી.
હવે ગુજરાતમાં 2027ના આખરમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચનાક દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. જેને કારણે રાજકીય વર્તુળોમાં અટકળો વહેતી થઈ છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ગુજરાત ભાજપના ત્રણેય વરિષ્ઠ નેતાઓની મુલાકાત થઈ છે. જેને કારણે આ ઉચ્ચસ્તરીય બેઠકોમાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર અથવા આગામી ચૂંટણીલક્ષી રણનીતિને લઈને ચર્ચા કે કેન્દ્રીય સ્તરે સંગઠનમાં ગુજરાતના નેતાઓની સામેલગીરીને લઈને ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલન અને અસંતોષનો રાજ્ય સરકાર સામનો કરી રહી છે. સૌરાષ્ટ્રમાં ખેતરોમમાં હાઈ-ટેન્શન વીજ થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે. સરકારે થાંભલાઓ માટે વળતર અને જમીન ભાડાંની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો હોવા છતાં ખેડૂતો અસંતુષ્ટ છે. દિલ્હી દરબારમાં ખેડૂત આંદોલનના સમીકરણો અને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત રાખવા માટે વિશેષ ચર્ચા થઈ હોવાનું મનાય છે.
હાઈકમાન્ડે રાજ્ય સરકારની યોજનાઓ અને કામગીરીને લઈને વિગતવાર ફીડબેક માંગ્યા છે. જેના આધારે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ છે. નવા અને સક્રિય ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવા માટે આ ફેરબદલ થવાની શક્યતા છે.
જાન્યુઆરી 2027માં યોજનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમટિ માટેની પૂર્વ તૈયારીઓ પણ આ મુલાકાતનો એક વિષય હોઈ શકે છે.વાઈબ્રન્ટ ગુજરાતના પ્રચાર અને પ્રસાર તથા વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસો નક્કી થઈ ચુક્યા છે. તેને પણ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.દિલ્હી ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે થયેલી હાઈ પ્રોફાઈલ બેઠકો બાદ આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાં મોટા નિર્ણયો લેવાય તેવા સ્પષ્ટ રાજકીય સંકેતો મળી રહ્યા છે.