આસામાના CM હિમંત બિસ્વ સરમાએ સોમનાથના દર્શન કર્યા, UCC મામલે કૉંગ્રેસનો બહિષ્કાર કરવા મહિલાઓને હાકલ કરી
મુખ્યમંત્રી સરમા પત્ની રનીકી શર્મા, પુત્રી સુકન્યા અને પુત્ર નંદિલની સાથે સોમનાથ મંદિર ખાતે જળાભિષેક કર્યો. સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરીને ધન્યતા અનુભવી છે
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પવિત્ર શ્રાવણ માસમાં પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે.દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં યુસીસી મામલે કોંગ્રેસ પર નિશાન સાધતા દેેશની મહિલાઓને કૉંગ્રેસના બહિષ્કારની હાકલ પણ કરી છે.
મુખ્યમંત્રી સરમા પત્ની રનીકી શર્મા, પુત્રી સુકન્યા અને પુત્ર નંદિલની સાથે સોમનાથ મંદિર ખાતે જળાભિષેક કર્યો. સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરીને ધન્યતા અનુભવી છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે સોમનાથ ભારતની સભ્યતાની અતૂટ શક્તિનું પ્રતીક છે, આ તે સનાતન સમાજનું પ્રમાણ છે જેણે દરેક પડકાર છતાં પોતાની આસ્થાને જાળવી રાખી છે. મેં ભારતવર્ષની ઉન્નતિ અને મહાસમૃદ્ધિ માટે મહાદેવના આશિર્વાદ માંગ્યા. જય સોમનાથ.
હિમંત બિસ્વા સરમાએ ભારતમાં સમાન નાગરિક સંહિતાના અભાવે મહિલાઓને સમાન અધિકારો મેળવવામાં અવરોધો ઉભા થઈ રહ્યાનું જણાવ્યું. તેની સાથે તેમણે આ સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને દેશની તમામ મહિલાઓને કોંગ્રેસનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
નવી પેઢી સંદર્ભે વાત કરતા જેન-ઝી અને જેન-આલ્ફા દ્વારા થઈ રહેલા પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણની સામે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની કુટુંબ વ્યવસ્થા અને માતાપિતા તથા દાદાદાદીની સાથેના પવિત્ર સંબંધો તથા મૂલ્યોને જાળવી રાખવા પર પણ ભાર મૂક્યો હતો.
આસામના મુખ્યમંત્રીએ દેશ સામેના પડકારો બાબતે કહ્યુ કે મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરીને રાષ્ટ્રને મજબૂત બનાવવું દરેક નાગરિકની ફરજ છે. ચીન-બાંગ્લાદેશ સરહદ પ્રશ્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેની સાથે નેપાળની જળ હોનારત પર સંવેદના વ્યક્ત કરી હતી.