19 વર્ષ બાદ કોલકત્તા પાછા ફર્યા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન, કહ્યું-આ સ્વદેશ પાછા ફરવા જેવું
કોલકત્તા પહોંચેલા તસ્લીમા નસરીન પહેલી ઓગસ્ટે રવિન્દ્ર સદનમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધના એક કાર્યક્રમમાં સામેલ થશે. આયોજકો મુજબ, આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને લેખક શીર્ષેન્દુ મુખોપાધ્યાય પણ સામેલ થાય તેવી શક્યતા છે.
બાંગ્લાદેશથી નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીન શુક્રવારે લગભગ 19 વર્ષ બાદ કોલકત્તા પાછા ફર્યા છે. 2007માં તેમના પુસ્તક વિરુદ્ધ દેખાવો બાદ તેમને કોલકત્તા છોડવું પડયું હતું.
નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા જ 63 વર્ષી લેખિકાએ કહ્યું કે મને અહીં આવીને ઘણું સારું લાગી રહ્યું છે. મેં ક્યારેય મારી મરજીથી કોલકત્તા છોડયું ન હતું.
તસ્લીમા નસરીને પોતાની વાપસીને વ્યક્તિગત ઘરવાપસી અને સ્વદેશ પાછા ફરવા જેવી ગણાવી છે. તેમણે કહ્યું છે કે હું ક્યારેય મારી મરજીથી કોલકત્તા છોડીને ગઈ નથી. તત્કાલિન પશ્ચિમ બંગાળ સરકારે મને રાજ્ય છોડવા માટે મજબૂર કરી હતી. તેમ છતાં પણ મેં ક્યારેય આશા ગુમાવી ન હતી કે એક દિવસ હું પાછી ફરીશ.
વર્ષો વિતતા ગયા, સરકારો બદલાઈ અને તેમ છતાં પણ દરવાજા બંધ જ રહ્યા. 2003માં સીપીએમની સરકારે તેમના પુસ્તક દ્વિખંડિતા પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂક્યો હતો.
કોલકત્તા પહોંચેલા તસ્લીમા નસરીન પહેલી ઓગસ્ટે રવિન્દ્ર સદનમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધના એક કાર્યક્રમમાં સામેલ થશે. આયોજકો મુજબ, આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને લેખક શીર્ષેન્દુ મુખોપાધ્યાય પણ સામેલ થાય તેવી શક્યતા છે.
તસ્લીમા નસરીન પોતાના સમ્માનમાં યોજાનારા એક નાગરિક સ્વાગત સમારંભમાં કેટલીક કવિતાઓનું પઠન પણ કરશે અને ચર્ચામાં ભાગ લેશે. નસરીન લાંબા સમયથી દિલ્હીમાં રેસિડેન્સ પરમિટ પર વસવાટ કરે છે.
તસ્લીમા નસરીની કોલકત્તા વાપસી સાથે રાજનીતિ ગરમાય છે. ટીએમસીના ધારાસભ્ય અખરુજ્જમાંએ કહ્યું છે કે લેખિકા મોટાભાગે મુસ્લિમો વિરુદ્ધ બોલે છે. માટે ડબલ એન્જિન સરકાર તેમનું સ્વાગત કરી રહી છે.
તો પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી અગ્નિમિત્રા પૉલે કહ્યું છે કે ગત સરકારે તેમને પાછા આવવાનો મોકો આપ્યો નથી. આજે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકારમાં તસ્લીમા નસરીનનું આવવું અમારા માટે ગર્વની વાત છે.