ગાંધીનગરમાં સચિવાલયના નિવૃત્ત કર્મચારીની હત્યા, અદાવતમાં પરિચિતે ખૂન કર્યાની આશંકા
મકાનમાંથી કોઈ સામાન ગાયબ ન હોવાથી તેમજ લૂંટના કોઈ પુરાવા ન મળતાં અંગત અદાવતમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યાનું આશંકા સેવાઈ છે
ગાંધીનગરના માણસામાં અંબોડ હાઈવે પર પ્રિયંકા ગોલ્ડ સોસાયટીના પાંચમા માળે બંધ ફ્લેટમાં સચિવાલયના નિવૃત્ત કર્મચારીની લોહીથી લથબથ લાશ મળી આવી છે. મૃતકની ઓળખ 61 વર્ષીય બાબુલાલ વાલીગ ડોડીયાળ તરીકે થઈ છે.
તેઓ 2023માં ગાંધીનગર સચિવાલય ખાતે પટાવાળા તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા અને અંબોડ હાઈવે પરના પોતાના ફ્લેટમાં અવાર-નવાર આવતા હતા.
આ મકાનમાંથી કોઈ સામાન ગાયબ ન હોવાથી તેમજ લૂંટના કોઈ પુરાવા ન મળતાં અંગત અદાવતમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યાનું આશંકા સેવાઈ છે. હાલ માણસા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ FSLની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.
પોલીસ મુજબ, આ સોસાયટીમાં મૃતકના બે ફ્લેટ છે. એક ફ્લેટમાં તેઓ રહેતા હતા અને સામેના ફ્લેટને ભાડે આપેલો હતો. ગઈકાલે જ રાજસ્થાની ભાડૂઆતે મૃતકને ત્રણ માસનું બાકીનું ભાડું ચુકવ્યું હતું. આ મામલે પાડોશીઓ અને કુટુંબીઓની પૂછપરછ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં બાબુલાલના માથાના ભાગે કોઈ ભારે અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. ઘટનાસ્થળે રસોડાના ગેસ પર ખીચડી રાંધેલી સ્થિતિમાં મળી આવી હતી. સામેના ફ્લેટમાં રહેતા પાડોશીએ જણાવ્યું હતું કે, પોતે ભાડે રહેતા હોવાથી મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ જ બાબુલાલને મકાન માલિકને આપવા માટે ભાડાના પૈસા સોંપ્યા હતા, જેથી હત્યા મંગળવારના સમયગાળા દરમિયાન જ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ કરૂણ ઘટનાના પગલે રાજસ્થાનના ડુંગરપુરથી પણ પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
માણસા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી આરોપીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.