અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં 4 ઈંચ વરસાદથી ફરી પાણી ભરાયા, વાહનો ફસાયા
અમદાવાદના બોપલમાં ભારે વરસાદથી સ્ટર્લિંગ સિટીના સેક્ટર A અને Bમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનો ફસાયા અને સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
અમદાવાદમાં હાલ વરસાદે થોડો વિરામ લીધો છે. જો કે શહેરના પોશ વિસ્તાર બોપલમાં 4 ઈંચ વરસાદથી ફરી જળબંબાકારની સ્થિતિ છે. પાણીના કારણે વાહનો પણ ફસાયા છે.
બોપલમાં આવેલા જાણીતા સ્ટર્લિંગ સિટીના સેક્ટર એ અને બીમાં માત્ર પોણો કલાકમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
રોડ - રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને પણ લોકોના ઘરના ઓટલા સુધી પહોંચી ચુક્યા છે. ગમે ત્યારે પાણી ઘરોમાં ઘૂસવાની દહેશતથી સ્થાનિકો ભારે ચિંતામાં છે અને તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો છે.
ગયા મહિને પણ ભારે વરસાદને કારણે આ બંને સેક્ટરોમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં પણી ઘૂસી જતાં ભારે હેરાનગતિ થઈ હતી.
ત્યારબાદ તંત્ર દ્વારા થલતેજ વોર્ડમાં ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા માટે બોડકદેવ વોર્ડ હેઠળ આવતા સ્ટર્લિંગ સિટી સેક્ટર એમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. નવી ગટર લાઇન નાખી તેને મુખ્ય લાઇન સાથે જોડાઈ તો ખરી, પરંતુ આ ખોદકામ અને કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલની જૂની લાઈનો પૂરી દેવામાં આવી અથવા બંધ કરી દેવાઈ હતી.
જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટરના માણસોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો વરસાદી ગટરો બંધ થઈ જશે તો રોડ પરનું પાણી ક્યાંથી નીકળશે? તેમ છતાં જવાબદારોએ આ ચેતવણીની સદંતર અવગણના કરી હતી. પરિણામે, પાણીના નિકાલનો કુદરતી માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો અને આજે સામાન્ય વરસાદમાં પણ આખું સેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી વચ્ચેથી પસાર થતો મુખ્ય રસ્તો થલતેજ અને બોડકદેવ વોર્ડની સીમા નક્કી કરે છે. આ ભૌગોલિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને બંને વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. 'આ કામ અમારા વોર્ડનું નથી' તેવી માનસિકતાને કારણે કામગીરી અટવાઈ પડી છે.
ગઈકાલે જ્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા ત્યારે સ્થાનિકોએ ગટરનું ઢાંકણું ખોલવા રજૂઆત કરી હતી. પરંતુ તંત્રના માણસોએ માત્ર ઢાંકણું સહેજ ઊંચું કરી લીપાપોતી કરીને સંતોષ માની લીધો હતો, જેનાથી કોઈ કાયમી રાહત થઈ નહીં.
આજે સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં શહેરમાં સરેરાશ 44.99 મિમી (લગભગ 1.77 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 740.82 મિમી (29.17 ઇંચ) પર પહોંચ્યો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 81.03 ટકા જેટલો થાય છે.
દક્ષિણ ઝોનમાં 6 કલાકમાં સરેરાશ 94.63 મિમી (પોણા ચાર ઇંચ જેટલો) વરસાદ ખાબક્યો છે. જેમાં વટવા: 111.00 મિમી (4.37 ઇંચ), લાંભા: 107.00 મિમી (4.21 ઇંચ), ઇન્દ્રપુરી: 84.00 મિમી (3.30 ઇંચ) મણિનગર: 76.50 મિમી (3.01 ઇંચ) વરસાદ પડ્યો હતો.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 58.57 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સરખેજમાં 83.50 મિમી, જોધપુરમાં 81.50 મિમી અને બોપલમાં 87.50 મિમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનના રામોલમાં 85.50 મિમી અને વસ્ત્રાલમાં 67.50 મિમી સાથે ઝોનનો સરેરાશ વરસાદ 43.94 મિમી પડ્યો હતો.
પશ્ચિમ ઝોન: વાસણામાં 74.00 મિમી અને ટાગોર કંટ્રોલ ખાતે 65.50 મિમી વરસાદ ખાબક્યો હતો.ઉત્તર-પશ્ચિમ ઝોન: બોડકદેવમાં 61.00 મિમી વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોન: દૂધેશ્વરમાં 77.50 મિમી અને કાલુપુરમાં 48.50 મિમી વરસાદ નોંધાયો હતો.