અમદાવાદના ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડાની લટાર! લોકો દહેશતમાં
સીસીટીવી ફૂટેજ પ્રમાણે, મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો. સોસાયટીના સદસ્યોએ વહેલી સવારે દીપડાના ફૂટમાર્ક જોયા હોવાનો પણ દાવો કર્યો છે
ગુજરાતમાં દીપડાં ઘણાં વિસ્તારમાં દેખા દે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાંની આવી લટાર નોંધાઈ છે. હવે દીપડો અમદાવાદના શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયો છે.
અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં ઘુમાની શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો લટાર મારતો ઝડપાયો છે. ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડાની લટારે આખા વિસ્તારમાં ફફડાટ સર્જયો છે.
સીસીટીવી ફૂટેજ પ્રમાણે, મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો. સોસાયટીના સદસ્યોએ વહેલી સવારે દીપડાના ફૂટમાર્ક જોયા હોવાનો પણ દાવો કર્યો છે.
આ આખા મામલાની જાણકારી વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને કરવામાં આવી છે.
મામલાની ગંભીરતાને જોતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ અને સ્ટાફની એક ટીમ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી છે.
આ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી અને પ્રાથમિક તપાસમાં મળી આવેલા ફૂટમાર્કના આધારે દીપડાની હાજરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દીપડા દ્વારા અવાર-નવાર માણસો પર હુમલાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. જેને કારણે શરણદીપ સોસાયટી અને આસપાસના વિસ્તારોના લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે.