"PM મોદીનું શાસન આખરી તબક્કામાં, વારસદારની શોધ ચાલી રહી છે!"
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સંપૂર્ણપણે બેકફૂટ પર હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને સરકાર વિરુદ્ધ અને આક્રમક રીતે મોરચો લેવાની હાકલ કરી છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખૂબ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનો રાજકીય અંત થઈ ચુક્યો છે અને હવે તેમનું શાસન આખરી તબક્કામાં છે. રાહુલ ગાંધી મુજબ, મોદીના વારસદારની શોધખોળ પણ શરૂ થઈ ચુકી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યુ, નરેન્દ્ર મોદીનો રાજકીય અંત થઈ ચુક્યો છે. તેમનો સમય સમાપ્ત થઈ ગયો છે. મોદીનું શાસન છેલ્લા તબક્કામાં છે. તેમના ઉત્તરાધિકારીની તલાશ ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સંપૂર્ણપણે બેકફૂટ પર હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને સરકાર વિરુદ્ધ અને આક્રમક રીતે મોરચો લેવાની હાકલ કરી છે. આ ટીપ્પણીઓ દિલ્હી ખાતેના કોંગ્રેસના મુખ્યાલય ઈન્દિરા ભવનમાં થયેલી સીડબ્લ્યૂસીની બેઠક દરમિયાન કરવામાં આવી હતી. બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દેશની રાજકીય સ્થિતિ અને મહત્ત્વના મુદ્દાઓ પર કોંગ્રેસની રણનીતિને લઈને ચર્ચાઓ કરી હતી.
સીડબ્લ્યૂસીની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ સંબોધિત કરી હતી અને કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે ગત 12 વર્ષોમાં યુવાઓના ભવિષ્ય બરબાદ કર્યા છે. ખડગેનો દાવો હતો કે તાજેતરના વર્ષોમાં 94,000 સ્કૂલો બંધ થઈ ચુકી છે. તેમણે યુવાઓ માટે સ્પષ્ટ, વ્યાપક અને સમયબદ્ધ શિક્ષણથી રોજગાર રોડમેપ તૈયાર કરવાની માગણી કરી છે.
મલ્લિકાર્જૂન ખડગેએ રામમંદિર ટ્ર્સ્ટને મળેલા ધન, સોના અને અન્ય દાનના મુદ્દાને ઉઠાવતા કહ્યુ કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે આ દાનનો હિસાબ કેવી રીતે રાખવામાં આવે છે અને તેમનો ઉપયોગ કેવી રીતે કરાઈ રહ્યો છે. ખડગેએ કોઈપણ નાણાકીય અનિયમિતતાની યોગ્ય તપાસ કરાવીને જવાબદાર લોકોની વિરુદ્ધ જવાબદેહી નક્કી કરવાની માગણી કરી છે.