લગ્નની લાલચ આપીને વડોદરાની મહિલા સાથે દુષ્કર્મ કરનારા પરણિત નૂર હસન પઠાણની ધરપકડ
આરોપી નૂર હસન પઠાણે મહિલાને પત્ની તરીકે સ્વીકારીને સમાજમાં નામ આપવાની લાલચ આપી હતી. તેણે મહિલા સાથે સમજૂતી કરાર પણ કર્યા હતા અને પ્રેમજાળમાં ફસાવીને છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક સંબંધો પણ રાખ્યા હતા
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્નની લાલચ આપીને પરણિત નૂર હસન પઠાણ દ્વારા દુષ્કર્મ આચરવાના મામલે જે. પી. રોડ પોલીસે ગુનો નોંધીને આરોપીને એરેસ્ટ કરીને મામલાની તપાસ શરૂ કરી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 37 વર્ષીય નૂર હસન પઠાણ આશરે 10 વર્ષ પહેલા ફરિયાદી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બંનેના અન્ય જગ્યાએ લગ્ન થતાં સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ મહિલાના છૂટાછેડાં થયા હતા.
2024માં આરોપીએ પાર્લરના કામ માટે ફરીથી ફરિયાદી મહિલાનો સંપર્ક કર્યો હતો. પરણિત અને 3 સંતાનોના પિતા એવા આરોપી નૂર હસન પઠાણે મહિલાને પત્ની તરીકે સ્વીકારીને સમાજમાં નામ આપવાની લાલચ આપી હતી. તેણે મહિલા સાથે સમજૂતી કરાર પણ કર્યા હતા અને પ્રેમજાળમાં ફસાવીને છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક સંબંધો પણ રાખ્યા હતા.
જો કે આધારકાર્ડમાં નામ બદલવાની અને પત્ની તરીકેના અધિકાર આપવાની માગણી કરવામાં આવતા આરોપીએ મહિલાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બાબતે બંને વચ્ચે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પીડિત મહિલાએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના આધારે આરોપી નૂર હસન પઠાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.