દક્ષિણ ગુજરાતમાં મેઘકહેર: વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચ વરસાદ, આખું શહેર ડૂબ્યું
૨૧ જુલાઈ સવારે ૬ વાગ્યાથી આજે ૨૩ જુલાઈ સવારે ૮ વાગ્યા સુધી છેલ્લા ૫૦ કલાકમાં ઉમરગામ ૫૦ ઇંચ, કપરાડા ૪૮.૫ ઇંચ, નાનાપોઢા ૪૦ ઇંચ, પારડી ૩૧ ઇંચ, ઉમરપાડા ૩૦.૪ ઇંચ, ધરમપુર ૩૦ ઇંચ, વાપી ૨૬ ઇંચ, ખેરગામ ૨૫ ઇંચ અને વઘાઈ ૨૪ ઇંચ જેવો અતિ ભારે વરસાદ નોંધાયો છે
દક્ષિણ ગુજરાતમાં મેઘકહેર યથાવત છે. વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચ વરસાદ ખાબકતા આખું શહેર પાણીમાં ડૂબ્યું છે. ધોધમાર વરસાદે ઉમરગામનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ખૂસ્યા છે અને તેને કારણે અહીં પણ જળબંબાકારની સ્થિતિ છે.
ઉમરગામમાં 35.67 ઈંચ, ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 159 ઇંચથી વધુ વરસાદ પડતાં નદીઓમાં પુર આવ્યા હતા. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.
ભારે વરસાદની અસર નેશનલ હાઈવે- 48 પર પણ જોવા મળી છે. કુંડી ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિકની અવર-જવરમાં અડચણ ઉભી થઈ હતી.
ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે. છીપવાડમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં એનડીઆરએફ અને એસડીઆરએફની એક-એક ટીમો સ્ટેન્ડબાય છે.
વલસાડમાં ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ કારખાના અને ઔદ્યોગિક એકમો બંધ રખાયા છે. જરૂરી સેવાઓ માટે લઘુત્તમ સ્ટાફ રાખવાની સૂચના અપાઈ છે.
મૂશળધાર વરસાદના પગલે તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક અવર-જવર ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.