ગડકરીની શાખ દાંવ પર લાગવા પાછળ PM મોદી-ભાગવતનું 'રાજકીય યુદ્ધ'?
એક કાબેલ, સક્ષમ નેતા-મંત્રી ગડકરી હાલ સૌથી વધુ કપરા રાજકીય આરાપોનો સામનો કરી રહ્યા છે. આ બધું અચાનક થવું શક્ય નહીં હોવાનું પણ રાજકીય વિશ્લેષકો દ્રઢપણે માની રહ્યા છે. તેના પરથી અંદાજો પણ લગાવાય રહ્યો છે કે હવે આગળની જે રાજકીય સોગઠાબાજી હશે, તેમાં કદાચ નીતિન ગડકરીને દિલ્હી છોડીને સક્રિય રાષ્ટ્રીય રાજનીતિથી અંતર બનાવવું પડે તેવો સમય પણ આવી શકે છે.
એક સમયે સડક પરિવહન મંત્રાલયની કમાન સંભાળી રહેલા નીતિન ગડકરીને પીએમ મોદીના મંત્રીમંડળના સૌથી કાબેલ મિનિસ્ટર તરીકે જોવામાં આવતા હતા. પરંતુ હાલ તેઓ પોતાના રાજકીય જીવનના સૌથી નિરાશાજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની રાજકીય શાખને એક રીતે બટ્ટો લાગી રહ્યો છે.
ગડકરી માટે કપરો રાજકીય સમય
નાગપુર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી 1976માં પોતાના જાહેરજીવનની શરૂઆત કરનારા ગડકરીએ ઘણાં મોકા પર ખુદને શ્રેષ્ઠ સાબિત કર્યા છે. પણ હાલ તેમના પુત્રોના ઈથેનોલના વ્યવસાયનો ઓછાયો તેમની પ્રતિષ્ઠા પર મંડરાય રહ્યો છે. તેમના પ્રત્યેના વ્યક્તિગત આદરનો ભાવ લોકોના હ્રદય-મનમાં ડગમગી રહ્યો છે.
સોશયલ મીડિયા મંચો પર તેમની વિરુદ્ધ થઈ રહેલી વાતો હવે મુખ્યપ્રવાહના મીડિયા પર પણ પ્રસરી ચુકી છે. એક સમયે ઉદાહરણ અપતા હતા કે સડક માર્ગે દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં, દિલ્હીથી દહેરાદૂન 2 કલાકમં અને પુણેથી મુંબઈ દોઢ કલાકમાં પહોંચાડનારા એક્સપ્રેસ વે નિર્માણ પાછળ ગડકરીની મહેનત અને કાબેલિયત હતી. પણ એક્સપ્રેસ વે પરના ખાડા અને કેટલાક નવા પુલોના કાટમાળમાં તબ્દીલ થવાની ઘટનાઓને ગડકરી સાથે સાંકળીને વાઈરલ થયેલી રીલ્સે તેમની શાખને ધોવાનાનું કામ કર્યું છે.
તેમના પુત્રોના ઈથેનોલનો કારોબાર બે-ત્રણ વર્ષમાં 17 કરોડથી વધીને 500 કરોડનો થયો હોવાના દાવા થવા લાગ્યા છે. દાવો છે કે સરકારી નીતિઓના બદલાવને કારણે ગડકરીના પુત્રોની કંપનીઓ 30 ગણી વધી. ગડકરીના પુત્રોની કંપનીના શેર 40 રૂપિયાથી વધીને 3100 રૂપિયાએ પહોંચ્યા છે. આ દાવાઓ વચ્ચે ગડકરીની રાજકીય શાખ ગગડવા લાગી.
ગડકરીએ આનો જવાબ આપતા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ઈથેનોલ તો તેમની (પુત્રોની) કુલ વ્યાપારીક આવકનો નાનો હિસ્સો છે. તેમની વાત સાચી છે. તેમના પુત્રોની કંપનીઓનું વાર્ષિક ટર્ન ઓવર 20 અબજ રૂપિયા છે અને તેમાંથી ઈથેનોલનો વ્યવસાય માત્ર 5 અબજ રૂપિયાનો છે. એટલે કે ચોથા ભાગનો છે. પણ જનતા સામે સવાલ પણ કરી રહી છે કે પેટ્રોલિયમ મંત્રી તો હરદીપસિંહ પુરી છે, ગડકરી રાજમાર્ગ-પરિવહન મંત્રી છે. તો પછી પેટ્રોલમાં ઈથેનોલ ભેળવાની ટકાવારી નક્કી કરવી અને આ પગલાનો આક્રમકતાથી બચાવ કરવામાં તેમની કેન્દ્રીય ભૂમિકા કેમ છે?

ગડકરીની આવી સ્થિતિનું બીજ 2009માં જ રોપાયું હતું!
પણ અહીં સવાલ એ પણ છે કે ગડકરીની રાજકીય શાખ અર્સથી ફર્સ પર કેમ આવી ચુકી છે? આની પાછળનું કારણ શું છે? તો જાણકારો આને 17 વર્ષ જૂના એક બીજારોપણથી શરૂ થયેલા ભાગવત-પીએમ મોદી વચ્ચેના રાજકીય યુદ્ધ સાથે સાંકળે છે.
2009માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે માર્ચમાં મોહન ભાગવત સંઘના સરસંઘચાલક બન્યા હતા. 2009માં જ જ્યારે તેમણે કેમોથેરપી અને સર્જરીની વાત કરી હતી, ત્યારે નાગપુરના નીતિન ગડકરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગડકરીનું ભાજપ અધ્યક્ષ બનવું ભાગવત-મોદી વચ્ચેની રાજકીય યુદ્ધનું બીજારોપણ હતું. 2014માં મોદી ભાગવતના સક્રિય સમર્થનથી જ પીએમ પદ પર પહોંચ્યા છે. પણ ગડકરી અત્યારે જે પણ કંઈ સામનો કરી રહ્યા છે, તેના બીજ 2009ના સંઘ-ભાજપના સમીકરણોમાં નંખાય ચુક્યા હતા.
નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યકેન્દ્ર છે. અહીં જ 1925માં આરએસએસની સ્થાપના ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. તેને 100 વર્ષ પૂર્ણ પણ થઈ ચુક્યા છે. નાગપુરથી શરૂ થયેલું આરએસએસનું વૈચારિક આંદોલન આજે ભારતના ખૂણેખૂણે પહોંચી ચુક્યું છે. દેશની સત્તાનું કેન્દ્રસ્થાન પણ આરએસએસના 100 વર્ષની તપસ્યાને કારણે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ખસી ચુક્યું છે.
મોદી-ભાગવત-ગડકરી અને ભાજપના આંતરિક સમીકરણો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દાવો છે કે તેઓ રાજકારણથી દૂર રહે છે અને ભાજપને લઈને સ્પષ્ટતા ઘણીવાર કરાઈ ચુકી છે કે કોઈ બેકસીટ ડ્રાઈવિંગ તેમના દ્વારા કરાતું નથી. ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠનના પદાધિકારીઓના આ દાવાને માનવાનું પણ મન થાય પણ માર્ચ-2009માં જ્યારે મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બન્યા, ત્યારે તેમણે નવ માસની અંદર નીતિન ગડકરી કે જેઓ હાલ કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયના મંત્રી છે, તેમને મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દીધા હતા. આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રાજ્ય અને રાજ્યની બહાર જનતાના દિલમાં ગુજરાત મોડલ થકી છવાઈ ગયા હતા. પણ ભાજપે ત્યારે લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન પદે પહોંચવાને લઈને ચર્ચાઓ પણ ધીમેધીમે વધી રહી હતી.
પણ નાગપુરના નીતિન ગડકરીના ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ખાસી રાજકીય અસહજતા અનુભવતા હોવાનું ઘણાં જાણકારો માનવા લાગ્યા હતા. તેનું કારણ એ હતું કે 2012 આવતા સુધીમાં નીતિન ગડકરીને 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ચહેરા તરીકે રજૂ કરવાની કોશિશો એક આયોજનબદ્ધ રાજકીય રણનીતિના ભાગરૂપે શરૂ થઈ ચુકી હતી. અટલ બિહારી વાજપેયી સાથે ઘનિષ્ઠતા ધરાવતા ગડકરીનું લાલકૃષ્ણ અડવાણી સાથે પણ સારું સામંજસ્ય હતું. ગડકરી અડવાણીને વડાપ્રધાન પદના સ્વાભાવિક ઉમેદવાર પણ માની રહ્યા હતા.
ગડકરીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી ગણાતા સંજય જોશીને ભાજપમાં પાછા લેવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સંજય જોશી ચૂંટણી પ્રભારી પણ બનાવાયા હતા. 2011ની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ હોવા છતાં મોદી ચૂંટણી પ્રચાર માટે ગયા નહીં. તેના માટે કહેવામાં આવે છે કે ગડકરીએ જ સલાહ આપી હતી કે ગુજરાત બહાર તેમના પ્રચારની વિપરીત અસર પડે છે. જો કે જાણકારો માને છે કે સંજય જોશીની યુપીમાં સક્રિયતાને કારણે જ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ ત્યાં જવાનું ટાળ્યું હતું, કારણ કે પ્રચાર અભિયાનમાં આગળ કરાયા બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપનો નબળો દેખાવ તેમની ભવિષ્યની રાજનીતિ પર મોટી વિપરીત અસર પણ કરી શકે તેમ હતો.
તે સમયે અડવાણી સિવાય સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, શિવરાજસિંહ ચૌહાન જેવા ભાજપના અન્ય નેતાઓ પણ વડાપ્રધાન પદના ચહેરાની ચર્ચામાં આવતા રહેતા હતા. ભાજપના તત્કાલિન અધ્યક્ષ ગડકરીનું નામ પણ ઘણીવાર આ ચર્ચામાં ઉછળતું રહેતું હતું.
ગડકરીને ભાજપ અધ્યક્ષ પદ છોડવું પડયું હતું
2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અભિયાન વખતે પાવાગઢમાં એક રેલીને ગડકરીએ મોદી સાથે સંબોધિત કરી હતી. આ અરસામાં એક અંગ્રેજી અખબારમાં ગડકરીના પારિવારિક વ્યવસાયિક પ્રતિષ્ઠાન પૂર્તિ સમૂહ પર નકલી કંપનીઓમાંથી રોકાણ લેવા, બેનામી મિલ્કતો એકઠી કરવા અને ધનની હેરફેર જેવા આરોપોને લગતા અહેવાલ પ્રકાશિત થયા. આ અખબારી અહેવાલોએ ભાજપની આંતરિક રાજનીતિમાં ગડકરી માટે પાર્ટી અધ્યક્ષ પદે રહેવું દુભર કર્યું હતું અને આખરે તેમણે આ પદ 2013માં છોડી દીધું. તેમના રાજીનામાના બીજા જ દિવસે મુંબઈ અને નાગપુરમાં પૂર્તિ સમૂહની કંપનીઓ પર ઈન્કમટેક્સના દરોડા પણ પડયા.
મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા
ભાજપમાં સત્તા સમીકરણો બદલાયા અને ગડકરીના સ્થાને રાજનાથસિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. આમ તો ગડકરીનો ભાજપ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ડિસેમ્બર, 2015 સુધીનો હતો. એટલે કે 2014ની લોકસભાની ચૂંટણી સામાન્ય સંજોગોમાં ગડકરીના અધ્યક્ષ પદે જ ભાજપ લડવાનું હતું. પણ આરોપો અને તેના પછીના રાજકારણે સ્થિતિ બદલી નાખી હતી.
જૂન-2013માં ભાજપની કારોબારી બેઠક ગોવામાં મળી હતી. ત્યારે રાજનાથસિંહના અધ્યક્ષ પદે યોજાયેલી ભાજપની કારોબારી બેઠકમાં અરુણ જેટલીએ 2014ની ચૂંટણી માટેની પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરાવી દીધી. અડવાણી આનાથી નારાજ થયા અને તેમણે ભાજપના સંસદીય બોર્ડ, રાષ્ટ્રીય કારોબારી અને ચૂંટણી સમિતિમાંથી રાજીનામું આપ્યું. જો કે બાદમાં તેમણે આરએસએસના કહેવાથી રાજીનામા પાછા પણ ખેંચી લીધા. ત્યારે ભાજપ એનડીએ હેઠળ રામમંદિર, કલમ-370 અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા કેન્દ્રીય મુદ્દાઓથી દૂર રહીને રાજનીતિ કરી રહ્યું હતું. આવા સંજોગામાં હિંદુત્વવાદી વિકાસપુરુષની છબી ધરાવતા નરેન્દ્ર મોદી માટે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવું કઠિન મનાતું હતું. પણ ત્રણ માસ બાદ સપ્ટેમ્બરમાં યોજાયેલી સંસદીય બોર્ડની બેઠકમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. આ સંસદીય બોર્ડની બેઠકમાં અડવાણી નારાજગીને કારણે સામેલ થયા ન હતા અને ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે અડવાણીનું પેટ ખરાબ હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
2014માં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ચૂંટણી મેનેજમેન્ટને કારણે ભાજપ-એનડીએને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી.
મોદી મંત્રીમંડળમાં ગડકરીને સ્થાન મળ્યું
ત્યારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના સક્રિય સમર્થનથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને 2014ની પહેલી કેબિનેટમાં ગડકરીને મંત્રીમંડળમાં લેવા એટલા માટે જરૂરી હતા, કારણ કે ગડકરી પર તેમનો વરદહસ્ત હતો. જોકે 2019ની ચૂંટણી સુધીના સમયગાળામાં ભાગવત-મોદી વચ્ચે તણાવ વધવાની મીડિયા અહેવાલોની ચર્ચા વચ્ચે ફરીથી સરકાર બની તો ગડકરીની અણદેખી શક્ય ન હતી. પણ 2023 સુધીમાં મંત્રીમંડળની બેઠકોમાં પીએમ મોદી સાથે ગડકરીની ગરમાગરમીની ખબરો પણ મીડિયામાં સીધી-આડકતરી રીતે ચર્ચાતી રહી.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં ગડકરીનું નામ ગાયબ હતું. જ્યારે નરેન્દ્ર મોદી નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગડકરી સ્વાગત માટે ઉભા હતા, પણ તેમણે તેમની સાથે વાત પણ કરી નહીં. તેમને આખરી સમયમાં જ નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
હવે આગળ શું...
એક કાબેલ, સક્ષમ નેતા-મંત્રી ગડકરી હાલ સૌથી વધુ કપરા રાજકીય આરાપોનો સામનો કરી રહ્યા છે. આ બધું અચાનક થવું શક્ય નહીં હોવાનું પણ રાજકીય વિશ્લેષકો દ્રઢપણે માની રહ્યા છે. તેના પરથી અંદાજો પણ લગાવાય રહ્યો છે કે હવે આગળની જે રાજકીય સોગઠાબાજી હશે, તેમાં કદાચ નીતિન ગડકરીને દિલ્હી છોડીને સક્રિય રાષ્ટ્રીય રાજનીતિથી અંતર બનાવવું પડે તેવો સમય પણ આવી શકે છે.