સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસ કરશે CBI
બોમ્બે હાઈકોર્ટનો આ આદેશ મૃતકના પિતા સતીષ સાલિયાનની એ અરજી પર આવ્યો છે કે જેમાં તેમણે પોતાની પુત્રીના મોતની પરિસ્થિતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા
દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમયી મોતના કેસની તપાસ સીબીઆઈ કરશે. બોમ્બે હાઈકોર્ટે આને લઈને નિર્દેશ આપ્યા છે.
બોમ્બે હાઈકોર્ટનો આ આદેશ મૃતકના પિતા સતીષ સાલિયાનની એ અરજી પર આવ્યો છે કે જેમાં તેમણે પોતાની પુત્રીના મોતની પરિસ્થિતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ રંજીતસિંહ રાજા ભોંસલેની ખંડપીઠે કહ્યું કે સીબીઆઈ તુરંત આ મામલામાં એફઆઈઆર નોંધે અને મૃતકના પિતા સતીષ સાલિયાનનું નિવેદન નોંધે.
હાઈકોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે કે તે મામલા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને કાગળો તાત્કાલિક સીબીઆઈને સોંપી દે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જ્યાં સુધી કોઈની વિરુદ્ધ નક્કર પુરાવા અને સામગ્રી હાથ લાગે નહીં, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને આરોપી માનવામાં આવે નહીં.
આ સિવાય કોર્ટના આદેશમાં ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે જો તપાસમાં કોઈ મામલો નહીં બને, તો સીબીઆઈ સંબંધિત કોર્ટમાં પોતાનો સમરી રિપોર્ટ રજૂ કરે, જેને પડકારવાની સ્વતંત્રતા સતીષ સાલિયાનની પાસે હશે.
મહત્ત્વપૂર્ણ છે કે દિશા સાલિયાનનું મોત 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડમાં એક રહેણાંક ઈમારતના 14મા માળ પરથી પડી જવાથી થયું હતું. તે સમયે મુંબઈ પોલીસે આકસ્મિક મોતનો મામલો નોંધીને પોતાની શરૂઆતની તપાસમાં આને આત્મહત્યા ગણાવી હતી.
જો કે આ ઘટના બાદ જ વિવાદોનો તબક્કો શરૂ થઈ ગયો હતો. ગત વર્ષ મૃતકના પિતા સતીષ સાલિયાને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.તેમના વકીલ નીલેશ ઓઝા દ્વારા કોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો હતો તેમની પુત્રીનું મૃત્યુ કોઈ આત્મહત્યા નથી.
સતીષ સાલિયાનના વકીલે દાવો કર્યો હતો કે દિશા સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને પ્રભાવશાળી લોકોને બચાવવા માટે એક રાજકીય સાજિશ હેઠળ પુરાવાઓને છૂપાવવાની કોશિશ કરવામાં આવી હતી. પિતાએ પોતાની અરજી શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવાની માગણી કરી હતી.