અરુણાચલમાં ચીનની ઘૂસણખોરીનો દાવો, PM મોદીને સવાલ કરીને કૉંગ્રેસે RSSને પણ લપેટયું
પવન ખેડાએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એક શખ્સે દાવો કર્યો છે કે અરુણાચલની કેટલીક જમીનને ચીન કબજે કરી રહ્યું છે
કોંગ્રસેના નેતા પવન ખેડાએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીનો દાવો કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ પુછયા છે અને તેની સાથે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ પણ લીધું છે. પવન ખેડાએ એક વીડિયો જાહેર કરીને પીએમ મોદીને તીખા સવાલ પુછવાની સાથે સકરાર પર ચીનની સાથે ગુપ્ત સમજૂતીને લઈને પણ સવાલ કર્યો છે. હવે ભારત સરકારે પણ સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નક્શાને અપડેટ કરતા ચીનની સીમા સાથે જોડાયેલા 27 મહત્ત્વપૂર્ણ સ્થાનોને ભારતીય નામ સાથે નોંધવામાં આવેલા દર્શાવ્યા છે.
પવન ખેડાએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના લોકો જમીની હકીકત જાણે છે. તે વખતોવખત ચેતણી આપતા રહે છે અને ભારતની સુરક્ષા માટે મજબૂતીથી અડગ છે. પરંતુ લાગે છે કે તમારા કાન સુધી કોઈ વાત પહોંચતી નથી. કેટલાક મહત્ત્વના સવાલ ઉઠ્યા છે.
પવન ખેડાએ પહેલો સવાલ કર્યો છે કે અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરી પર તમે ચુપ કેમ છો પ્રધાનમંત્રીજી?
તમે તમારી વ્યક્તિગત છબી અને નાનીમોટી રાજનીતિ માટે ભારતની સુરક્ષા, સાર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતાને દાંવ પર લગાવવા કેમ તૈયાર છો?
શું તમારી સરકાર, તમારી પાર્ટી અથવા આરએસએસની ચીન સાથે કોઈ ગુપ્ત સમજ છે જેના સંદર્ભે ભારતની જનતાને જણાવાય રહ્યું નથી?

પવન ખેડાએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એક શખ્સે દાવો કર્યો છે કે અરુણાચલની કેટલીક જમીનને ચીન કબજે કરી રહ્યું છે. આના પર રાજનીતિ ન કરવામાં આવે. તમે બધાં લોકો એકઠા થઈને આની વિરુદ્ધ અવાજ ઉઠાવો. ભારત સરકાર પણ આના પર ધ્યાન આપે. અમે લોકો તમારી સાથે છો. અહીંના લોકો ઈન્ડિયન આર્મીને દરેક પ્રકારની ઘૂસણખોરીની જાણકારી આપીએ છીએ.