દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, 194 મુસાફરો સુરક્ષિત
ફ્લાઈટમાં કુલ 194 મુસાફરો સવાર હતા. સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા ધુમાડો દેખાવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ધુમાડો જોવા મળતાં પાયલોટે તકેદારીના ભાગરૂપે ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E (IGO)1452 દુબઈથી મુંબઈ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ધુમાડો જોવા મળતાં એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટને સુરક્ષિત રીતે રાજકોટ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.
ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે ઉતરતાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
ઈમરજન્સી લેન્ડિંગ પહેલાં રાજકોટ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી ઇમરજન્સી સેવાઓને એલર્ટ રાખવામાં આવી હતી, જેથી કોઈપણ પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય.
આ ફ્લાઈટમાં કુલ 194 મુસાફરો સવાર હતા. સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા ધુમાડો દેખાવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.