કચ્છના રાપર તાલુકાના જાટાવાડામાં ઊંટ પર ક્રૂરતાનો આક્ષેપ
આ મામલે સ્થાનિકો અને પશુપ્રેમીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહીની માગણી કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો
કચ્છના રાપર તાલુકાની જાટાવાડા ગ્રામ પંચાયતના ડબ્બામાં 4થી 5 ઊંટને રાખીને અત્યાચાર કર્યાનો માલધારીઓએ આરોપ લગાવ્યો છે. ઊંટ સાથે ક્રૂરતાથી એક ઊંટનું મોત નીપજ્યાની ઘટના પણ બની છે. જેના કારણે માલધારીઓમાં આક્રોશ છે. બાલાસર પોલીસ સ્ટેશનમાં આને લઈને લેખિત અરજી કરીને આરોપીઓ સામે ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
વિગતો મુજબ, જાટાવાડા ગામે ઢોર ડબ્બે પુરવા મામલે જૂથ અથડામણ કે વિવાદ દરમિયાન ઊંટ પર નિર્દયતાપૂર્વક ક્રૂરતા આચરવાનો ગંભીર આરોપ લગાવાયો છે. આ અદાવત અને બોલાચાલી વચ્ચે ઊંટ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ સોશયલ મીડિયા અન સ્થાનિક મીડિયા દ્વારા પ્રસારીત કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિકો અને પશુપ્રેમીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહીની માગણી કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
પ્રિવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટુ એનિમલ એક્ટ , 1960 મુજબ, પશુઓને શારીરિક ઈજા પહોંચાડવી કે તેમની પ્રત્યે નિર્દયતા દાખવવી એ ગુનો બને છે. ભારતીય ન્યાય સંહિતા મુજબ, પણ પ્રાણીઓને મારી નાખવા કે અપંગ કરવા બદલ કાયદાકીય સજા અને દંડની જોગવાઈ છે.