બંગાળમાં પૂર્વ બસ ડ્રાઈવરના ઘરેથી 35 કોથળા ભરી રોકડ મળી, પોલીસે 15 કિલો સોનું જપ્ત કર્યું!
દરોડા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે અર્જિત મોટી સંપત્તિનો ખુલાસો થયો છે. તેમણે કહ્યુ છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી સતત ચાલુ રહેશે.
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે એક મોટા દરોડામાં સરકારી બસના પૂર્વ ડ્રાઈરના ઘરેથી 15 કિલોગ્રામ સોનાના બિસ્કિટ અને લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી. આ રોકડ 35 કોથળામાં ભરેલી હતી. પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહી પથ્થર કારોબાર સાથે જોડાયેલી કથિત નાણાંકીય ગેરરીતિની તપાસ હેઠળ કરવામાં આવી છે.
પોલીસ મુજબ, ગુપ્ત માહિતી બાદ મંગળવારે મોડી રાત્રે બીરભૂમના દેઉચા વિસ્તારમાં રહેતા મિનાર મંડલના ઘરે દરોડા પાડવામાં આવ્યા. મિનાર મંડલ સરકારી બસનો પૂર્વ ચાલક છે અને તે પ્રભાવશાળી પથ્થર કારોબારી તુલુ મંડલનો સાળો હોવાનું જણાવાય છે. તપાસ એજન્સીઓને શંકા છે કે જપ્ત રોકડ અને સોનું પથ્થર કારોબારની કથિત નાણાંકીય ગેરરીતિ સાથે હોઈ શકે છે.
દરોડામાં મળેલી રોકડ એટલી વધારે હતી કે તેને ગણવા માટે પાંચ કેશ કાઉન્ટિંગ મશીનો મંગાવવા પડયા. જપ્ત કરવામાં આવેલા રોકડને સુરક્ષિત રાખવા માટે પાંચ મોટા ટિનના બોક્સનો ઉપયોગ કરાયો છે. પોલીસ અધિકારી મુજબ, નોટોની ગણતરીમાં ઘણાં કલાકો લાગ્યા અને આખી પ્રક્રિયા દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્ત પણ કરાયો હતો.
પોલીસ મુજબ, તુલુ મંડલની એજન્સી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં આવેલી 6 પથ્થર ઔદ્યોગિક ક્લસ્ટરના પ્રવેશ દ્વારા પર મહેસૂલ વસૂલીનું કામ કરતી હતી. અધિકારીઓનો આરોપ છે કે દર મહિને લગભગ 83 કરોડ રૂપિયાનું મહેસૂલ એકત્રિત થવાની આશા હતી, પરંતુ સરકારી ખજાનામાં માત્ર 2થી 5 કરોડ રૂપિયા જ જમા કરાવવામાં આવતા હતા. બાકીની રકમ કથિતપણે ગબન કરી લેવામાં આવતી હોવાની આશંકા થઈ હતી. જો કે આ આરોપોની હજી તપાસ ચાલુ છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી.
દરોડા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે અર્જિત મોટી સંપત્તિનો ખુલાસો થયો છે. તેમણે કહ્યુ છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી સતત ચાલુ રહેશે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે જાહેર સંસાધનોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર સંપત્તિ બનાવનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. જનતાના ધનની લૂંટ કરનારાઓને કાયદાનો સામનો કરવો પડશે અને માફિયા નેટવર્કની વિરુદ્ધ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ જપ્ત થયેલા રોકડ અને સોનાના સ્ત્રોતોની જાણકારી મેળવવામાં લાગેલી છે. આ મામલામાં વધુ કોણ-કોણ સામે હોઈ શકે છે અને શું આનો સંબંધ કોઈ મોટા નાણાંકીય ગોટાળા કે ગેરકાયદેસર નેટવર્ક સાથે છે કે કેમ, તેની પણ તપાસ થઈ રહી છે. તપાસ બાદ જ આખા મામલાની વાસ્તવિક તસ્વીર સામે આવી શકશે.