મારી છબી ખરાબ કરનારાઓના હાથ કાપવા-સળગાવવાની ક્ષમતા : કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ
ઓરામે કહ્યુ છે કે મે પહેલા પણ ઘોષણા કરી હતી કે હવે હું ચૂંટણી નહીં લડું. પરંતુ આ પરિસ્થિતિમાં હું નિશ્ચિતપણે 2029ની લોકસભા ચૂંટણી લડીશ
કેન્દ્રીય જનજાતીય કાર્ય મંત્રી જુએલ ઓરામે શુક્રવારે દાવો કર્યો કે કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવા અને તેમને મંત્રાલયમાંથી હટાવવા માટે પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે આ વાત ઓડિશાના રાઉરકેલામાં તેમના એક સહયોગીની સંગઠિત અપરાધના મામલામાં કથિત સંડોવણીમાં ધરપકડ બાદ કહી છે.
ઓરામે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમના સહયોગી રાકેશ પાસવાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા મામલે તેમને કોઈ વાંધો નથી. પાસવાનની સ્ટીલ નગરી રઉરકેલામાં રાજ્ય સકરારના એક અતિથિ ગૃહમાં કથિતપણે અપરાધીઓને આશ્રય આપ્યો હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાકેશ પાસવાને આરોપોને નકાર્યા છે.
કેન્દ્રીય જનજાતીય મંત્રી જુએલ ઓરામે પત્રકારોને કહ્યુ છે કે તાજેતરના દિવસોમાં કેટલાક એવા લોકોએ, જે અન્ય રાજકીય પાર્ટીઓમાંથી ભાજપમાં આવ્યા છે, નાણાં ખર્ચીને મારી છબી ખરાબ કરવા અને મારી સ્થિતિ નભલી કરવા માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. મને લાગે છે કે જો મને હટાવવામાં આવ્યો, તો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી બનાવાનો મોકો મળશે. હું આ પાર્ટી (ભાજપ)ને સારી રીતે જાણું છું અને પાર્ટી પણ મારા યોગદાનને ઓળખે છે.
ઓરામે કહ્યુ છે કે મે પહેલા પણ ઘોષણા કરી હતી કે હવે હું ચૂંટણી નહીં લડું. પરંતુ આ પરિસ્થિતિમાં હું નિશ્ચિતપણે 2029ની લોકસભા ચૂંટણી લડીશ. ઓરામ આદિવાસી બહુલ સુંદરગઢ લોકસભા બેઠક પરથી 6 ટર્મ સાંસદ રહી ચુક્યા છે. મંત્રીએ કહ્યુ કે તે પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓની ઓળખ કરશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ મામલો ઓડિશા ભાજપ સંગઠનના સચિવ સમક્ષ ઉઠાવી ચુક્યા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે હું નિશ્ચિતપણે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ. મારી પાસે મારી છબી ખરાબ કરનારા કોઈપણ વ્યક્તિના હાથ કાપવાની અને તેમને સળગાવી દેવાની ક્ષમતા છે. આ દરમિયાન ઓરામની ટીપ્પણી પર બીજૂ જનતા દળ અને કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે.
બીજેડીના મુખ્ય દંડક પ્રમિલા મલિકે કહ્યું છે કે ઓરામ એક વરિષ્ઠ આદિવાસી નેતા છે અને તેમના નિવેદનથી ઉજાગર થાય છે કે ભાજપમાં ગંભીર આંતરીક મતભેદ છે. તેમના નેતા લોકોનું કામ કરવાના સ્થાને પરસ્પર લડવામાં વ્યસ્ત છે.
બીજેડીના પ્રવક્તા લેનિન મોહંતીએ કહ્યુ છે કે કેન્દ્રીય મંત્રી દ્વારા વપરાયેલી ભાષા સ્પષ્ટ છે કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે, જેનાથી તેઓ પરેશાન છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપની અંદર આંતરીક સંઘર્ષ ચરમ સ્તર પર પહોંચી ગયો છે. તેમણે એ પણ ક્હ્યુ કે ઓરામની ટીપ્પણીએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર સવાલ પેદા કર્યા છે.
મોહંતીએ કહ્યુ છે કે ઓરામ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તે કાયદાને પોતાના હાથમાં લેશે. આ ટીપ્પણીને કેવી રીતે યોગ્ય ઠેરવી શકાય ?
ઓડિશા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભક્તચરણ દાસે ઓરામની ટીપ્પણીને અશિષ્ટ ગણાવી અને તેને ભાજપની ફાસીવાદી વિચારધારાનું પ્રતિબિંબ ગણાવી.
ભક્ત ચરણ દાસે આરોપ લગાવ્યો છે કે ઓરામની ટીપ્પણી તેમના સહયોગીના મામલામાં ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાના ઈરાદાથી કરવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે ભારતમાં હિંસા માટે કોઈ જગ્યા નથી. આ ગાંધીનો દેશ છે, જેમણે અહિંસક રીતોથી આઝાદીની લડાઈ લડી અને વિદેશી શાસનને ખતમ કર્યું.