તાલુકા કક્ષાએ યોજનાઓનો લાભ ઝડપથી લોકો સુધી પહોંચશે, સરકારે કરી UTPCની રચના
ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે અમલી બનાવીને ચુટીપીસીની કરી રચના.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (Unified Taluka Planning Committee-UTPC)ની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી હવે તાલુકા કક્ષાએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે, કલ્યાણકારી યોજનાઓનો લાભ ઝડપથી નાગરિકો સુધી પહોંચશે.
દરેક તાલુકામાં UTPC કાર્યરત રહેવાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે તથા તેમાં ઝડપ આવશે. આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોની પ્રાથમિકતાઓ નક્કી કરશે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓનું સંકલિત આયોજન કરશે અને વિકાસ કાર્યોના અમલીકરણની નિયમિત સમીક્ષા પણ કરશે.
નવી વ્યવસ્થાના અમલથી તાલુકા કક્ષાએ વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. UTPC શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ, કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસ સહિતની જનકલ્યાણકારી યોજનાઓનું સંકલિત આયોજન તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્થાનિક જરૂરિયાતોને આધારે આયોજન થવાથી વિકાસ કાર્યોનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચશે.