અમદાવાદના ચાંદખેડામાં સાવકા પિતાએ સગીરાને 2 માસ સુધી બનાવી હવસનો શિકાર, પીડિતાએ માસીને જાણ કરતા ભાંડો ફૂટયો
પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા બે મહિનાથી આરોપી માતાની ગેરહાજરીમાં સગીરા સાથે અડપલાં કરતો હતો અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો
ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા પિતા દ્વારા સગીરા સાથે છેલ્લા બે મહિનાથી શારીરિક અડપલાં અને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. ધમકીથી ચૂપ રહેલી સગીરાએ અંતે માસીને જાણ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્ટોરી: ચાંદખેડા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા સાથે તેના સાવકા પિતા દ્વારા શારીરિક અડપલાં અને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા બે મહિનાથી આરોપી માતાની ગેરહાજરીમાં સગીરા સાથે અડપલાં કરતો હતો અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ધમકીના કારણે સગીરા અત્યાર સુધી ચૂપ રહી હતી. જોકે બાદમાં તેણે હિંમત કરીને સમગ્ર ઘટનાની જાણ પોતાની માસીને કરી હતી. માસીએ આ અંગે સગીરાની માતાને જાણ કરતાં પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘટનાના પુરાવા મેળવવા માટે સગીરાએ માસી અને મામા સાથે વીડિયો કોલ કર્યો હતો અને મોબાઇલ રૂમમાં રાખ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન આરોપી દ્વારા કરવામાં આવેલી કથિત છેડતીની ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો સહિતના પુરાવાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સગીરાએ છેલ્લા બે મહિનાથી આરોપી દ્વારા તેની સાથે અડપલાં અને દુષ્કર્મ કરાતું હોવાની માહિતી આપી હોવાનું જણાવાયું છે. આ મામલે ચાંદખેડા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની માતાના બીજા લગ્ન હોવાથી આરોપી દ્વારા ઘટના જાહેર કરવાથી માતા-દીકરીને ઘરેથી કાઢી મૂકવાની ધમકી અપાતી હોવાની વિગતો પણ ફરિયાદમાં સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.