વડોદરા: ગણપતપુરા ગામની સીમમાંથી 10 ફૂટ લાંબો મગર રેસ્ક્યુ કરાયો
વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં નદીઓમાંથી મગરો રહેણાંક વિસ્તારો કે સીમમાં આવી જવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે.
વડોદરા નજીક દુમાડ પાસે આવેલા ગણપુરા ગામની સીમમાં એક 10 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ મગર નજીકની સૂર્યા નદીમાંથી ખોરાકની શોધમાં અથવા પાણીના પ્રવાહ સાથે ગામની સીમમાં અને ખેતરોની આસપાસ આવી પહોંચ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીમમાં મગર અડિંગો જમાવીને બેઠો હોવાથી ખેતરે જતા-આવતા ખેડૂતો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ મહાકાય મગર પર સ્થાનિક રહીશ વિષ્ણુભાઈ વાળંદની નજર પડતાં જ તેમણે ત્વરિત પગલાં ભરીને વન વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વન વિભાગ (Forest Department) અને જીએસપીસીએ (GSPCA) ની સંયુક્ત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
વન વિભાગ અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ 10 ફૂટ લાંબા મગરનું સફળ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ મગરને પાંજરામાં પૂરી વન વિભાગના કેન્દ્ર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે, જેથી ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે. વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં નદીઓમાંથી મગરો રહેણાંક વિસ્તારો કે સીમમાં આવી જવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે.