અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની હત્યા કરનારને 10 મિલિયન ડૉલરનું ઈનામ આપવાનું એલાન!
ઈસ્લામિક રેસિસ્ટેન્સ ઈન ઈરાક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ટ્રમ્પ હત્યારો છે. તે પોતાના અધિકારીઓને અન્ય લોકોની હત્યા કે સંગઠનના ખાત્માના નિર્દેશ આપે છે. માટે અમે તેના મોત માટે ઈનામનું એલાન કર્યું છે."
બગદાદ: અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન સમર્થિત ઈરાકી મિલિશિયા ગ્રુપ ઈસ્લામિક રેસિસ્ટેન્સ ઈન ઈરાકે યૂએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને મસમોટું ઈનામ જાહેર કર્યું છે. ઈરાન સમર્થિત આ આતંકી જૂથે ટ્રમ્પની હત્યા કરનારને 10 મિલિયિન યુએસ ડોલર એટલે કે અંદાજે 85 કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું જાહેર કર્યું છે.
ઈરાકી જૂથે આ એલાન 2020માં થયેલા અમેરિકાના ડ્રોન હુમલાનો બદલો લેવા માટે કર્યું છે. તે ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાની અને ઈરાકી મિલિશિયા નેતા અબૂ મહદી અલ મુહંદિસ માર્યા ગયા હતા.
અમેરિકાના અધિકારીઓએ આ મિલિશિયા ગ્રુપ પર ઈરાક, સીરિયા અને ખાડી દેશોમાં અમેરિકાની સેનાઓ અને તેના હિતો વિરુદ્ધ સેંકડો ડ્રોન, રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. ઈસ્લામિક રેસિસ્ટેન્સ ઈન ઈરાક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ટ્રમ્પ હત્યારો છે. તે પોતાના અધિકારીઓને અન્ય લોકોની હત્યા કે સંગઠનના ખાત્માના નિર્દેશ આપે છે. માટે અમે તેના મોત માટે ઈનામનું એલાન કર્યું છે."
ઈરાની પ્રેસ ટીવી પ્રમાણે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાસિમ સુલેમાની અને અબૂ મહદી અલ-મુહંદિસની હત્યા કરીને ટ્રમ્પે આખી દુનિયામાં ખુદ જ પોતાની વાહવાહી કરી. આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઈરાકી વડાપ્રધાન કાસિમ અલ-જૈદીની સાથે બેઠક દરમિયાન સાર્વજનિક રીતે 2020ના ડ્રોન હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
બેઠક દરમિયાન ટ્રમ્પે સુલેમાની અને મુહંદિસનો ખાત્મો કરનારા ઓપરેશનનો બચાવ કર્યો. અરબ ન્યૂઝ આઉટલેટ અશક અલ અવસાત પ્રમાણે, ટ્રમ્પે કહ્યુ કે મેં તેને (સુલેમાની અને મુહંદિસ) પોતાના પહેલા કાર્યકાળમાં માર્યા હતા. જો મેં આમ કર્યું ન હતો તો આજે સ્થિતિ કંઈક બીજી જ હોઈ શકે તેમ હતું. મને લાગે છે કે ઈરાનના નેતાઓ સુલેમાનીથી ડરતા હતા.
2024માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના અભિયાન દરમિયાન ઘણીવાર ટ્રમ્પ પર જીવલેણ હુમલાની કોશિશ થઈ હતી. 13 જુલાઈ, 2024ના રોજ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી વખતે એક બંદૂકધારીએ ગોળી ચલાવી, જે ટ્રમ્પના કાનને સ્પર્શીને નીકળી ગઈ. તેના કેટલાક સપ્તાહો બાદ ફ્લોરિડામાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ નજીક અધિકારીઓએ એક શકમંદને એરેસ્ટ કર્યો હતો. ત્યારે અમેરિકાના અધિકારીઓએ કહ્યુ હતુ કે ઈરાન સાથે જોડાયેલું જૂથ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ટ્રમ્પની હત્યાની કોશિશ કરી રહ્યું છે.