રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક: હનુમાન મઢી ચોક પાસે આવેલી મેડિકલ સ્ટોરમાં ધોકા-પાઇપ સાથે તોડફોડ
દુકાનમાં ઘૂસીને આ તોફાની તત્વોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો અને મેડિકલ સ્ટોરના કાચ, સામાન તેમજ ફર્નિચરની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના હનુમાન મઢી ચોક વિસ્તારમાં આવેલા 'દેવ પુષ્પ મેડિકલ સ્ટોર'માં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના મુજબ એક શખ્સ દવા લેવા આવ્યો હતો અને તેની બોલાચાલી થઈ હતી. તેના પછી તે 7થી 8 લોકોને લઈને અહીં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, 7 થી 8 જેટલા શખ્સો હાથમાં ધોકા અને લોખંડના પાઈપ જેવા હથિયારો લઈને અચાનક મેડિકલ સ્ટોરમાં ધસી આવ્યા હતા. દુકાનમાં ઘૂસીને આ તોફાની તત્વોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો અને મેડિકલ સ્ટોરના કાચ, સામાન તેમજ ફર્નિચરની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ અચાનક થયેલા હુમલા અને તોડફોડના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. દુકાનમાં વ્યાપક નુકસાન કર્યા બાદ આરોપીઓ ધમકીઓ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. દિનપ્રતિદિન બેફામ બનતા અસામાજિક તત્વોના આ આતંકને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.