અમદાવાદમાં પહેલી ઓગસ્ટથી ઓનલાઈન લગ્ન નોંધણી શરૂ થશે, ફોટા સાથે મેરેજ સર્ટિફિકેટ મળશે
જો કે ઓનલાઈન અરજી બાદ પણ બુક કરાયેલા સ્લોટ મુજબ, પતિ-પત્નીએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસની રૂબરુ હાજર રહીને લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અન નિયત ફી ભરવી પડશે. તેના પછી ડિજિટલ સહી અને વર-કન્યાના ફોટો સાથેનું લગ્ન પ્રમાણપત્ર અરજદારના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)શહેરના નાગરિકો માટે લગ્ન નોંધણીની પ્રક્રિયા 1 ઓગસ્ટ, 2026થી ઓનલાઈન કરવા જઈ રહ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ અરજદારો ઘરે બેઠા અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. એટલું જ નહીં, હવે લગ્ન પ્રમાણપત્ર વર-કન્યાના ફોટા સાથે ડિજિટલ સ્વરૂપે મળશે. નોંધનીય છે કે, નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરીને કારણે 31 જુલાઈએ અમદાવાદમાં લગ્ન નોંધણીની તમામ કામગીરી બંધ રહેશે.
જો કે ઓનલાઈન અરજી બાદ પણ બુક કરાયેલા સ્લોટ મુજબ, પતિ-પત્નીએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસની રૂબરુ હાજર રહીને લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અન નિયત ફી ભરવી પડશે. તેના પછી ડિજિટલ સહી અને વર-કન્યાના ફોટો સાથેનું લગ્ન પ્રમાણપત્ર અરજદારના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.
અરજદારે AMCની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in પર જઈને લગ્ન નોંધણીનું ટાસ્ક મુકવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. સંબંધિત કચેરી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થયા બાદ જો કોઈ વાંધો નહીં હોય તો અરજદાર પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયનો સ્લોટ બુક કરી શકશે.
અત્યાર સુધી અમદાવાદના 48 વોર્ડમાં જન્મ-મરણ અને લગ્ન નોંધણી કચેરીઓમાં ઓફલાઈન લગ્ન નોંધણી થઈ શકતી હતી. પરંતુ પહેલી ઓગસ્ટથી લગ્ન નોંધણીની ઓફલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરાશે. હવે તમામ અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.
જો કે ઓફલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવા સામે કેટલાક પ્રશ્નો પણ ઉભા થયા છે. ડિજિટલ પ્રક્રિયાથી અજાણ અથવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં અસમર્થ નાગરિકોને અરજી કરવા માટે એજન્ટ અથવા સાઈબર કેફેનો સહારો લેવો પડી શકે છે, તેના કારણે તેમને વધારાનો ખર્ચ કરવો પડશે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે 35 હજારથી વધુ લગ્નો નોંધાય છે.