રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે VHPએ યોજી 22 કિલોમીટરની રથયાત્રા, ઉત્સાહભેર લોકો થયા સામેલ
મવડી ચોકડીથી શરૂ થયેલી જન્માષ્ટમીની આ શોભાયાત્રા 22 કિલોમીટર અંતર કાપીને બાલક હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રાજકોટ શહેરમાં 22 કિલોમીટરની એક ભવ્ય શોભાયાત્રા આયોજીત કરવામાં આવી. આ શોભાયાત્રામાં ભક્તિમય દિવ્ય વાતાવરણમાં ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ અને રાજકોટ કૃષ્ણમય બની ગયું. શોભાયાત્રાની શરૂઆત પહેલા મવડી ચોકડી પાસે એક ભવ્ય ધર્મસભા પણ આયોજીત કરવામાં આવી હતી.
આ ધર્મસભામાં વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આશીર્વચન અને દિવ્ય સંદેશ પણ આપ્યો હતો. સંતો-મહંતોએ આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મવડી ચોકડીથી શરૂ થયેલી જન્માષ્ટમીની આ શોભાયાત્રા 22 કિલોમીટર અંતર કાપીને બાલક હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ આખા માર્ગ પર હજારો નાગરિકોએ રોડની બંને બાજૂ ઉભા રહીને યાત્રાનું સ્વાગત કર્યું હતું.
શોભાયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક થીમ પર આધારીત ઝાંકીઓ રજૂ કરવામાં આવી હતી. જેને ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.
શોભાયાત્રામાં 11 એક્ટિવા વાહનોને એકસાથે જોડીને તેના પર તૈયાર કરવામાં આવેલા અદભૂત અમરનાથ શિવલિંગે લોકોને ખૂબ આકર્ષયા હતા. આ શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા પરંપરાગત વેશભૂષા અને ઉત્સાહભેર શૌર્ય પ્રદર્શન અને તલવારબાજીના હેરતઅંગેઝ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.