રાજકોટમાં વિસ્ફોટકનો મોટો જથ્થો ઝડપાયો, ગોંડલ હાઈવે પરથી 12,000 જિલેટીન સ્ટીક-4,000 ડિટોનેટર જપ્ત
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને હિરા ઉર્ફે હિરેન વિઠ્ઠલ અલગોતર (રહે. જામવાડી, થાનગઢ) એ એક્સપ્લોસિવનો સામાન લેવા માટે માણાવદર મોકલ્યો હતો. જ્યાંથી મિતુલ નામના શખ્સે તેને માલ ભરી આપ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપ્લાયર અને રીસીવર શખ્સની શોધખોળ આદરી છે
શું રાજકોટ પર કોઈની કુદ્રષ્ટિ પડી ચુકી છે કે કોઈ સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરને વિસ્ફોટોથી દહેલાવા માંગે છે કે ખનીજ માફિયા ગેરકાયદેસર ખાણકામ કરવા માટે વિસ્ફોટકોની હેરાફેરી કરી રહ્યા છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે રાજકોટ -ગોંડલ હાઈવે પર રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલની સામેથી બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિસ્ફોટકનો જથ્થો ઝડપી પાડયો છે. ક્રાઈમ બ્રાંચે વાહનમાંથી 12 હજાર જિલેટીન સ્ટીક, 4 હજાર એક્સ્પ્લોઝિવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ જપ્ત કર્યા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની અટકાયત કરી છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે જીજે-03 બીવી-1411 નંબરની બોલેરો પીકઅપ ગાડી શાપર તરફથી આવે છે.તે બોલેરોમાં ગેરકાયદેસર એક્સ્પ્લોઝિવનો જથ્થો ભરેલો . જેથી તુરંત ક્રાઈમ બ્રાંચે રાજકોટ-ગોંડલ હાઈવે, કોઠારિયા સોલવન્ટ અને શિવ હોટલ પાસે વોચ ગોઠવી હતી. અહીંથી પસાર થતી પીકઅપ ગાડીને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિસ્ફોક મળી આવ્યો હતો.
પોલીસે બોલેરો ચાલક દોલા રઘુ મીરની ધરપકડ કરી જીલેટીન સ્ટીક નંગ-12,000, વજન 1500 કિલો રૂ.2.40 લાખ,બ્લાસ્ટીંગ કેબલ બંડલ-30 રૂ.15 હજાર, એક્સપ્લોસિવ ડીટોનેટર નંગ-4રરર રૂ.40 હજાર અને બોલેરો મળી કુલ રૂ. 5.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને હિરા ઉર્ફે હિરેન વિઠ્ઠલ અલગોતર (રહે. જામવાડી, થાનગઢ) એ એક્સપ્લોસિવનો સામાન લેવા માટે માણાવદર મોકલ્યો હતો. જ્યાંથી મિતુલ નામના શખ્સે તેને માલ ભરી આપ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપ્લાયર અને રીસીવર શખ્સની શોધખોળ આદરી છે.
આ ઘટનામાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક્સપ્લોસિવનો જથ્થો બ્લસ્ટિંગના કામ માટે ઉપયોગ થાય છે. જેમાં ખાસ સુરેન્દ્રનગર પંથકમાં આવેલ ખાણ અને કુવા ગાળવા માટે આ એક્સપ્લોસિવનો ઉપયોગ થતો હોય છે. જે લોકોના જીવ માટે જોખમી હોવાથી તેને પ્રતિબંધિત કરાયો છે, છતાં પણ ખનીજ માફીયા આ ગેરકાયદેનો જથ્થો ઉપયોગ કરવાં હેરાફેરી કરતાં હોવાની ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.