ગુજરાતમાં વેપાર કરવો વધુ સરળ બનશે, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ- 2026ને વિધાનસભાની મંજૂરી
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી નિયમનકારી બોજ ઘટાડવાનો, પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવાનો તેમજ જોખમ આધારિત અને ટેક્નોલોજી આધારિત વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે
ગુજરાતમાં હવે નવા કાયદાથી બિઝનેસ પ્રક્રિયા વધુ સરળ બનશે. હવે દુકાનો અને વ્યવસાયોને 24 કલાક ખુલ્લા રાખી શકાશે, કારણ કે ગુજરાત વિધાનસભામાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે કહ્યુ કે રાજ્યમાં ઉદ્યોગ-વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ સ્નેહી બનાવવા માટે ‘ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ,2026’ પસાર કરવામાં આવ્યું છે.
ડૉ.ગામીતે બિલ અંગે ગૃહમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિનિમમ ગવર્નમેન્ટ,મેક્સિમમ ગવર્નન્સ'ના વિઝનને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં વ્યવસાય અને રોકાણકારી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગસ્નેહી બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ વિધેયક લાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે,આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી નિયમનકારી બોજ ઘટાડવાનો, પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવાનો તેમજ જોખમ આધારિત અને ટેક્નોલોજી આધારિત વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં ફરજિયાત પૂર્વ મંજૂરી તથા ભૌતિક સંપર્કની જરૂરિયાત ઘટાડીને વિશ્વાસ આધારિત શાસન તરફ આગળ વધવાની દિશા આ બિલમાં દર્શાવવામાં આવી છે.
આ વિધેયક હેઠળ રાજ્યના 5 અલગ-અલગ કાયદાઓની 12 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે.
બિલ હેઠળ કરાયેલા મુખ્ય કાયદાકીય સુધારા
દુકાનો 24x7 ખુલ્લી રહેશે (શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ): રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશન (સ્વ-પ્રમાણીકરણ) ની નીતિ અપનાવાશે. નિયમો અને શરતોને આધીન રહીને દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક (24x7) ચાલુ રાખી શકાશે.
ફાયર સેફ્ટી નિયમોમાં સુધારો (ફાયર પ્રિવેન્શન એક્ટ): ફાયર સેફ્ટીના ધોરણોને બિલ્ડિંગના પ્રકાર અને જોખમ આધારિત બનાવવામાં આવ્યા છે, જેથી બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટશે.
MSME માટે સરળ નિયમો (MSME ફેસિલિટેશન એક્ટ): સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 'રાઇટ ટુ બિઝનેસ'નું માળખું મજબૂત કરાશે. વીજળી, જીઆઈડીસી, સહકારી અને સિંચાઈ જેવા વધુ 8 કાયદાઓને આ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
ડૉક્ટર્સની નોંધણી સરળ બનશે (મેડિકલ કાઉન્સિલ એક્ટ): અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો ગુજરાતમાં સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી શકશે.
સરકારી સેવાઓમાં ઓટો-અપીલ (રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ): નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ નહીં થાય, તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ 'ઓટો-અપીલ' થઈ જશે.