"પાણી જ નથી તો 10 કલાક વીજળીની જાહેરાત શોર્ટ ખાઈને મરવા કરી": દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૉંગ્રેસની માંગ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ છે કે મુખ્યમંત્રી દિલ્હી અને વિદેશ જાય અને નાયબ મુખ્યમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ ખેડૂતોની પીડા જોવા માટે તૈયાર નથી
ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે અને તેને કારણે ખેડૂતોની પરેશાની વધી છે. કોંગ્રેસના નેતાઓએ અમદાવાદના પ્રદેશ કાર્યાલયથી સરકાર પર પ્રહારો કરતા દ્વારકા સહીતના જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે, તેને દુષ્કાળગ્રસ્ત ઝાહેર કરીને ખેડૂતોને પાક ધિરાણ અને વીજળીના બિલો માફ કરવા તથા રોજગાર વગર જીવન ગુજારવા મજબૂર પરિવારોને મનરેગા યોજનાથી આજીવિકા પલબ્ધ કરાવવાની સરકાર પાસે માગણી કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ છે કે મુખ્યમંત્રી દિલ્હી અને વિદેશ જાય અને નાયબ મુખ્યમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ ખેડૂતોની પીડા જોવા માટે તૈયાર નથી. તમારે રીલ બનાવવી હોય તો ખેડૂતો સુધઈ જઈને બનાવવાામાં આવે જેથી તેમની પીડા જાણી શકાય .
તો કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ સરકારને આડે હાથ લેતા કહ્યુ કે જીતુભાઈએ જાહેરાત કરી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપીશું. 10 મિનિટ મોટર ચાલે એટલું પણ પાણી નથી તો 10 કલાકની વીજળીની જાહેરાત શું ખેડૂતોને શોર્ટ ખાઈને મરી જવા માટે કરવામાં આવે છે.
આ વખતે ચોમાસામાં આખા ગુજરાતમાં સરેરાશ 15 ટકા ઓછો વરસાદ નોંધયો છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગ સૌથી વધુ પ્રભાવિત થતાં ત્યાં વરસાદની 36 ટકા જેટલી સરેરાશ ઘટ જોવા મળી છે.
આમા દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 88 ટકા, પોરબંદરમાં સરેરાશ 73 ટકા અને જામનગર તથા કચ્છ જિલ્લામાં સરેરાશ 60 ટકા જેટલી વરસાદની ઘટ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે જગતનો તાત પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ડબલ એન્જિનની સરકારની નીતિને કારણે ખેડૂત આજે નિરાશ થઈ રહ્યો છે. 2023-24માં ડબલ એન્જિન સરકારમાં 10 હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી હતી. 2010-11ની સરખામણીમાં 75%નો આત્મહત્યાની ઘટનામાં વધારો થયો છે.
તેમણે કહ્યુ કે આખા ગુજરાતમાં દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 8 અઠવાડિયાથી ટીપુ પણ વરસાદ ન પડ્યો હોય તેવા 112 તાલુકા છે. એક મહિનામાં 200 તાલુકામાં વરસાદ પડ્યો જ નથી.
પાલભાઈ આંબલિયાએ ક્હ્યુ કે દ્વારકા તાલુકામાં માત્ર 2 ટકા વરસાદ થયો છે. 98 ટકાથી 62 ટકા વરસાદની ઘટ હોય તેવા 52 તાલુકા છે. સતત ચાર અઠવાડિયા વરસાદ ન થાય તો તેને દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેવો નિયમ છે. જેથી જોગવાઈ મુજબ જ અમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેની માગી કરીએ છીએ.
તેમણે કહ્યુ કે ડેમ ખાલી છે તો અમે ત્યાં ક્રિકેટ રમવાની જાહેરાત કરીએ છીએ. ત્યારે સરકાર હાસ્યાસ્પદ જાહેરનામું કરે છે કે આ ડેમમાં કોઈએ નાહવા જવું નહીં. ઢાંકણીમાં પાણી લઈને ડૂબવું હોય એટલું પાણી પણ ડેમમાં નથી. માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આંદોલન પણ કરવાની ફરજ પડશે.
કોંગ્રેસે રાજ્યમાં ખેડૂતો અને ગરીબ પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાનું જણાવીને સરકાર સમક્ષ રાહત અને સહાયની ઉગ્ર માગણી કરી છે.