ગુજરાતના CM તરીકે આનંદીબહેન પટેલ કોને ખૂંચતા હતા? સ્વાર્થ માટે મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું હતું!
અહીં સવાલ એ છે કે પાટીદાર અનામત આંદોલન આનંદીબહેન પટેલ સામેનું કોઈ રાજકીય ષડયંત્ર હતું કે ખરેખર આ માગણી સમાજમાંથી ઉઠી હતી ? આંદોલન પાછળના કારીગરોમાં ભાજપ-કોંગ્રેસના ક્યાં મોટા નેતાઓની કારીગરી હતી? આ નેતાઓ ભાજપ અત્યારે શું કરી રહ્યા છે?
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા, ત્યારે તેમના પછી મુખ્યમંત્રી તરીકે એક સબળ, કુનેહ-કુશળ એવા મહિલા નેતા આનંદીબહેન પટેલને ગુજરાતના સીએમ તરીકે બાગડોર સોંપવામાં આવી હતી. ત્યારે આનંદીબહેન પટેલના રાજકીય વર્ચસ્વને ગુજરાત ભાજપમાં પડકારો પણ ખૂબ મળવા લાગ્યા હતા. ભાજપમાં જૂથવાદ પણ થઈ રહ્યો હતો. પણ તેમ છતાં 21 મે, 2014ના રોજ ગુજરાત ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને ધારાસભ્યદળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આનંદીબેન શિક્ષક મન, વહીવટનો પ્રગાઢ અનુભવ, મહિલા હોવાના નાતે ગુજરાતની સામાન્ય પ્રકૃતિને અનુકૂળ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે.
પણ આનંદીબહેન પટેલે જ્યારે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો, ત્યારે તેમની સામે ઓગસ્ટ, 2015માં પાટીદાર અનામત આંદોલન થકી એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રિઝર્વેશનની માગણી સાથે આંદોલન શરૂ થયું હતું. આ આંદોલન જોતજોતામાં આખા રાજ્યમાં પ્રસરી ગયું હતું. આ આંદોલનના સમી ગયા પછી અચાનક 1 ઓગસ્ટ, 2016ના રોજ સોશયલ મીડિયા પર પોસ્ટ મુકીને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત કરી અને 3, ઓગસ્ટ, 2016ના રોજ તેમણે તત્કાલિન રાજ્યપાલ ઓ. પી. કોહલીને રૂબરૂ મળીને રાજીનામું સોંપ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ એક રહસ્ય જ રહ્યો કે આંદોલન સમી ગયુ હોવા છતાં આનંદીબહેન પટેલે શા માટે રાજીનામું આપ્યું?
આવા સવાલોનો સંપૂર્ણ જવાબ તો હજી સુધી મળ્યો નથી. પરંતુ 7ડિસેમ્બર, 2025ના રોજ આનંદીબહેન પટેલના જીવન પર લખાયેલા પુસ્તક ચુનૌતિયાં મુઝે પસંદ હૈ- ની ગુજરાતી આવૃત્તિનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિમોચન કર્યું હતું. આ પુસ્તકના 11મા પ્રકરણ વધતું ગયું ગુજરાતનું ગૌરવના પૃષ્ઠ 171 અને 172 પર પાટીદાર અનામત આંદોલન શીર્ષક હેઠળ લખાયેલી વિગતો આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે સૂચક છે.
આ પુસ્તકમાં લખાયું છે કે ‘એક બાજુ આનંદીબેન ગુજરાતને અગ્રગણ્ય રાજય બનાવવા માટે યથાસંભવ પ્રયાસો કરી રહ્યાં હતા તો બીજી બાજુ રાજનીતિના હાંડલામાં કંઇક એવું રાંધવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. જેને ગુજરાતની અસ્મિતા સાથે કોઇ લેવાદેવા નહોતી. અંગત સ્વાર્થોની પૂર્તિ માટે જાતજાતનાં છળકપટ રચાઇ રહ્યાં હતા.
ગુજરાતમાં ભાજપના કોર વોટર્સમાં અગ્રણી એવા પટેલ સમુદાયમાંથી જ અનામતની માગણી સાથેનું આંદોલન થવું પણ આશ્ચર્યચકિત હતું. આને લઈને પુસ્તકમાં આશ્ચર્ય પણ વ્યક્ત કરતા લખવામાં આવ્યું છે કે ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ અને રાજનીતિમાં વર્ચસ્વ ધરાવનાર પટેલ સમાજના કેટલાંક યુવાનોને આગળ કરીને જ્યારે અનામત આંદોલન શરૂ થયું ત્યારે સૌને આશ્ચર્ય થયું કે ગુજરાતનો સૌથી સમૃદ્ધ સમાજ અનામતની માગણી કેમ કરી રહ્યો છે? એ સ્પષ્ટ હતું કે બંધારણની મર્યાદામાં રહેતાં સરકાર અનામતની આ માંગણીને સ્વીકારી શકે નહીં.
પુસ્તક મુજબ, આનંદીબેને પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ અને સમાજના અગ્રણી લોકો સાથે ચર્ચા સતત ચાલુ રાખી અને જે સત્ય હતું, તે સામે મૂક્યું કે આ માગણીને સ્વીકારવી શક્ય નથી. પાટીદાર સમાજના લોકો આનંદીબેનની વાતોથી સંમત પણ હતા, પરંતુ તેમ છતાં આંદોલન ચાલુ જ હતું.
આનંદીબહેન પટેલ સાથે વર્ષોથી કામ કરી રહેલા અશોક દેસાઈ દ્વારા લખાયેલા આ પુસ્તકની વિશ્વસનીયતાને લઈને કોઈ પ્રશ્ન નહીં હોવાનું માનવામાં આવે છે.
ત્યારે પાટીદાર અનામત આંદોલનને ભડકાવવાની વાતને લઈને પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સ્પષ્ટ જ છે કે અંગત સ્વાર્થ માટે થઈને કોંગ્રેસ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ આ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા, એ વાતથી બેફિકર થઈને કે આનો કેટલો બધો વિપરીત પ્રભાવ ગુજરાત પર પડશે ? એમને ગુજરાત સાથે શું લેવા-દેવા? એમને તો માત્ર પોતાનો સ્વાર્થ દેખાઈ રહ્યો હતો. આવી રાજનીતિક પરિસ્થિતિઓમાં થયેલી સ્થાનિક ક્ષેત્રોની ચૂંટણીઓમાં ભાજપાને તમામ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વિજય પ્રાપ્ત થયો, જો કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેને અપેક્ષિત સફળતા મળી શકી નહીં.
હવે સવાલ એ છે કે પાટીદાર અનામત આંદોલન આનંદીબહેન પટેલ સામેનું કોઈ રાજકીય ષડયંત્ર હતું અને જો આવું હતું તો આવો રાજકીય કારસો રચનાર મોટા નેતાઓ કોણ હતા?
આંદોલન સમી ગયાના એક વર્ષ બાદ 1 ઓગસ્ટ, 2016ના રોજ સોશયલ મીડિયના માધ્યમથી જ્યારે આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવાની ઘોષણા કરી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. રાજીનામા સંદર્ભે પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ‘આંદોલનની અરાજકતાથી બહાર નીકળ્યા પછી ગુજરાતનું વાતાવરણ સામાન્ય થવા લાગ્યું હતું. સરકાર પણ પોતાની ગતિએ કામ કરી રહી હતી પરંતુ આકાશ જેવું હ્દય ધરાવનાર આનંદીબેનનું ચિંતન કંઇક જુદું જ હતું. તેઓ જોઇ ચૂક્યા હતા કે ગુજરાતમાં લેવાઇ રહેલાં લોક હિતકારી નિર્ણયોથી ઘણા લોકો આશંકિત થઇ ગયા છે કે હવે તેમનું કંઇ જ ચાલવાનું જ નથી. આવા લોકો ગમે તેવી ભ્રમણાઓ ફેલાવી શકે છે. તેમણે વિચાર્યું કે, ડિસેમ્બર-2017માં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને અપેક્ષિત સફળતા ન મળે તો તેમને હંમેશ માટે અફસોસ રહી જશે. પક્ષ પ્રત્યેની તેમની અપાર નિષ્ઠા તેમને ચિંતામાં નાંખી રહી હતી કે ક્યાંક એવું ન બને કે પદ પર મારા રહેવાને લીધે પક્ષને કોઇ નુકસાન થઇ જાય. આવા સમયે એક રાજનેતાનું જે ચિંતન હોવું જોઇએ તેવું જ ચિંતન આનંદીબેનના મન-મસ્તિષ્કમાં ચાલી રહ્યું હતું. જાન્યુઆરી-2017માં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ થવામાં પાંચ-છ મહિના હતા. ચૂંટણીઓ ડિસેમ્બર-2017માં થવાની હતી. જેમાં દોઢ વર્ષનો સમય બાકી હતો. તેઓએ વિચાર્યું કે નિર્ણય લેવાનો આ જ સાચો સમય છે. એક વિચાર તેમના મનમાં એ પણ ચાલી રહ્યો હતો કે 75 વર્ષની ઉંમર થતાં તેમણે સક્રિય રાજનીતિથી દૂર જતાં રહેવું જોઇએ.
અહીં સવાલ એ છે કે પાટીદાર અનામત આંદોલન આનંદીબહેન પટેલ સામેનું કોઈ રાજકીય ષડયંત્ર હતું કે ખરેખર આ માગણી સમાજમાંથી ઉઠી હતી ? આંદોલન પાછળના કારીગરોમાં ભાજપ-કોંગ્રેસના ક્યાં મોટા નેતાઓની કારીગરી હતી? આ નેતાઓ ભાજપ અત્યારે શું કરી રહ્યા છે?
મહત્વપૂર્ણ છે કે આનંદીબહેન પટેલના રાજીનામા પછી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાત ચાલતી હતી. પણ છેલ્લી ઘડીએ વિજયભાઈ રૂપાણીની લોટરી લાગી અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. તેની સાથે આનંદીબહેન પટેલને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.