નેપાળમાં અચાનક ભયાનક પુરે મચાવી તબાહી, 8ના મોત-41 ગાયબ
આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઉપરના ક્ષેત્રમાં કોઈ ગ્લેશિયર સરોવર ફાટયું છે અથવા કોઈ અસ્થાયી બંધના તૂટવાને કાણે નદીમાં અચાનક પૂર આવ્યું છે
નેપાળના રસુવા જિલ્લામાં અચાનક ભયાનક પુર આવવાને કારણે ભારે તબાહી સર્જાય છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત નીપજ્યા છે અને 41થી વધુ સુરક્ષાકર્મીઓ ગાયબ હોવાનું જણાવાય રહ્યું છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે.
તિબેટથી નેપાળમાં પ્રવેશતી ભોટે કોશી નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે તટવર્તી વિસ્તારના બજાર અને ઘણી હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ જળમગ્ન અને ક્ષતિગ્રસ્ત થયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસને ત્રિશૂલી નદીના નીચલા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થાનો પર ખસી જવાની ચેતવણી જાહેર કરી છે.
કાઠમંડૂ પોસ્ટે રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારને ટાંકીને કહ્યુ છે કે પૂરના કારણે હાલ સ્પષ્ટતા નથી. તેમણે કહ્યુ કે જિલ્લા મુખ્યમથક અને તેની આસપાસના વિસ્તારમાં બિલ્કુલ વરસાદ નથી અને હવામાન સાફ છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઉપરના ક્ષેત્રમાં કોઈ ગ્લેશિયર સરોવર ફાટયું છે અથવા કોઈ અસ્થાયી બંધના તૂટવાને કાણે નદીમાં અચાનક પૂર આવ્યું છે. પ્રશાસને કહ્યું છે કે લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે. પ્રારંભિક રિપોર્ટ્સ મુજબ, ભારે નુકશાનની વાત સામે આવી રહી છે.
સ્થાનિક નિવાસી અજય શ્રેષ્ઠે કહ્યુ છે કે પાણીનું વહેણ એટલું તીવ્ર હતું કે માનો અચાનક કોઈ બંધ તૂટયો હોય. આ પૂરમાં ચિલિમે હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સહીતના ઘણાં અન્ય હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકશાન પહોંચ્યું છે. નદીના વહેણને જોતા નુવાકોટ અને ધાડિંગ જિલ્લાના નીચલા વિસ્તારો પર પણ પૂરનું જોખમ મંડરાય રહ્યું છે.
પૂર અને ભૂસ્ખલનને કારણે તિમુરેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મોકલવામાં આવેલા અલ્ટીટ્યૂટ એરના એક હેલિકોપ્ટરને લેન્ડ કર્યા વગર જ કાઠમંડૂ પાછા ફરવું પડયું. પાયલટે કહ્યુ કે પૂરના તેજ વહેણમાં તિમુરનું સ્થાનિક હેલીપેડ સંપૂર્ણપણે વહી ગયું છે, જેનાથી ત્યાં ઉતરવામાં કોઈ સુરક્ષિત સ્થાન બચ્યું નથી. આકાશમાંથી દેખાય છે કે આખું તિમુરે ગામ પૂર અને કાટમાળને કારણે લગભગ દેખાય રહ્યું ન હતું.