સુરત નવી સિવિલ હોસ્પિટલ હોસ્ટેલમાં રેગિંગે ડૉ. હર્ષ પંડયાનો જીવ લીધો, 3 તબીબ યુવતી સહીત 4 સીનિયર સસ્પેન્ડ
30 વર્ષીય ડૉ. હર્ષ પંડયા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પિતા પણ ડોક્ટર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે
સુરતની વી સિવિલ હોસ્પિટલની બોયઝ પી. જી. હોસ્ટેલના રૂમ નંબર 1005માં મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના ડૉ. હર્ષ પંડયાએ પંખા પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આપઘાત કેસમાં ખુલાસો થયો છે કે મૃતક ડોક્ટરનું 4 સીનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. આ મામલે હવે 3 ડોક્ટર યુવતીઓ સહીત 4 સીનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ચારેય સીનિયરને 6 માસ માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીથી સસ્પેન્ડ કરાયા છે.
30 વર્ષીય ડૉ. હર્ષ પંડયા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પિતા પણ ડોક્ટર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ડૉ.હર્ષ પંડયા જ્યારે ફરજ પર હાજર થયા નહીં, ત્યારે તેમના સીનિયર ડોક્ટરે ફોન કર્યો હતો. ફોન બંધ આવતા સીનિયર ડોક્ટર હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરને તેમના રૂમ પર જઈને તપાસ કરવા જણાવ્યું હતું.
ડૉક્ટર ત્યાં પહોંચતા રુમ અંદરથી બંધ ઙતો. ફોન કરવા છતાં રિસીવ નહીં કરવામાં આવતા સિક્યોરિટી ગાર્ડને બોલાવાયો હતો. સિક્યોરિટી ગાર્ડે બુમો પાડી, તેનો પણ કોઈ જવાબ મળ્યો નહીં. જેથી સિક્યુરિટી ગાર્ડે દરવાજો તોડી નાખ્યો હતો. રૂમમાં ડૉ. હર્ષ પંડયાનો મૃતદેહ પંખા પર લટકતો હતો.
ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ નવી સિવિલ કેમ્પસ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા અને નર્સિંગ અગ્રણી ઈકબાલ કડીવાલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે મૃતદેહ કબજે કરીને પંચનામાની કાર્યવાહી કરી અને પોસ્ટમોર્ટમ માટે તેને લઈ જવાયો હતો. પોલીસે હોસ્ટેલમાં સાથી રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
ડૉ.હર્ષ પંડયાના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે તેમના મોબાઈલ ફોન અને લેપટોપ તપાસ માટે કબજે કર્યા છે. તપાસ દરમિયાન રેગિંગ થયાનું સામે આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા સધન પૂછપરછ કરાઈ રહી હતી.
એન્ટી રેગિંગ સ્ક્વોર્ડના રિપોર્ટના આધારે શિસ્તભંગ અને બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટર્સ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ધેવરિયા અને ડૉ. હિના ભુતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને આ સમયગાળા દરમિયાન કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાનો આદેશ અપાયો છે.
સુરત સિવિલમાં 2018થી 2026 સુધીમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. 2018માં ડૉ. ધલલ દિનેશભાાઈ ચૌહાણ, 2024માં મૈસૂરના ડૉ. લોકેશ,2023માં સર્જરીમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી ્ને 2026માં ડૉ. હર્ષ પંડયાએ આપઘાત કર્યો હતો.