અમદાવાદના જોધપુરમાં યુવતી પર દુષ્કર્મના આરોપીને પોલીસે ગોળી મારી, આરોપીના કાલાવાલા- "સાહબ એકવાર માફ કરી દો"
આનંદનગર પોલીસ દુષ્કર્મના આરોપી ધર્મસિંહને લઈને પંચનામા માટે હેબતપુર લઈ ગઈ હતી. જ્યાં આરોપીઓ ફેંકેલા 2 મોબાઈલ ફોન મળ્યા હતા.
અમદાવાદના બહુચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી વખતે પોલીસ પર હુમલો કરીને ફરાર થવાની કોશિશ કરી હતી. પોલીસે આત્મરક્ષામાં ચલાવેલી ગોળી અધર્મ કરનારા ધર્મસિંહના પગમાં વાગતા તે ઢળી પડયો. આ ઘર્ષણમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પટિલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલ પહોંચેલો આરોપી પહેલા લંગડાતા-લંગડાતા અને સ્ટ્રેચર પરથી બે હાથ જોડીને કાલાવાલા કરી રહ્યો હતો - સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો.
આરોપી પર ગોળીબારની ઘટના બાદ જેપીસી અને ડીસીપી સહીતના ઉચ્ચાધિકારીઓ સિવિલ દોડી આવ્યા હતા.
ડીસીપી ઝોન-7 શિવમ વર્મા પ્રમામે, આરોપી સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે. પોલીસકર્મી અને આરોપી બંને ઘાયલ હોવાથી સારવાર હેઠળ છે.
આનંદનગર પોલીસ દુષ્કર્મના આરોપી ધર્મસિંહને લઈને પંચનામા માટે હેબતપુર લઈ ગઈ હતી. જ્યાં આરોપીઓ ફેંકેલા 2 મોબાઈલ ફોન મળ્યા હતા. પોલીસના પંચનામા વખતે આરોપીએ પીઆઈ આર. એસ. પરમારની પિસ્તોલ ઝૂંટવવાની કોશિશ કરી, ત્યારે પીઆઈએ એક રાઉન્ડ ફાયરિંગ કરતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને સાથળના ભાગમાં ગોળી વાગી હતી.
આરોપી અને પોલીસ વચ્ચેની ઝપાઝપીમાં બીજો રાઉન્ડ ફાયર થયો અને ગોળી આરોપીના પગમાં વાગી હતી. કોન્સ્ટેબલ અને આરોપીને પોલીસ સિવિલ સારવાર માટે લઈ આવી હતી. આ બનાવને લઈને પીઆઈ આર. એસ. પરમારે આરોપી ધર્મસિંહ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેની તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જી. ખાંભલા ચલાવી રહ્યા છે.
જોધપુર -આનંદનગર વિસ્તારમાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી બહેનપણી સાથે ભાડાંના ફ્લેટમાં રહે છે. તે પોતાની બિલ્ડિંગના ધાબા પર ચાલવા માટે આઠમી ઓગસ્ટની રાત્રે ગઈ હતી. ત્યારે 6-7 દિવસ પહેલા જ અહી સિક્યુરિટી ગાર્ડ તરીકે લાગેલો ધર્મસિંહ પણ તેની પાછળ ગયો હતો. ત્યાં જઈને તેણે યુવતી સાથે કેટલીક અન્ય વાત કર્યા બાદ શારીરિક સંબંધ બાંધવાની બિભત્સ માગણી કરી હતી. યુવતીએ કડકાઈથી સુરક્ષાગાર્ડને આનો ઈન્કાર કર્યો હતો અને તે નીચે ઉતરવા ગઈ, ત્યારે આરોપીએ તેના ગળા પર વાયર નાખીને તેને નીચે પાડી દીધી અને લગભગ એક કલાક સુધી યુવતીના દેહને ચુંથીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.ત્યાર બાદ તે લિફ્ટ દ્વારા નીચે ઉતરીને ભાગી ગયો હતો.
આ મામલે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મધરાતે જ 10 ટીમ અને હાથથી મેપ બનાવીને 10 કિલોમીટરનો વિસ્તાર ફંફોસ્યો હતો. દુકાનોને રાત્રે ખોલાવીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીનું પગેરું દબાવીને તેને ઝડપી પાડયો હતો.