ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે, જમીન ટુકડા ધારામાં ફેરફારનો ખરડો આવશે
વિપક્ષી દળોએ સરકારને ઘેરવા માટે પ્રજાલક્ષી પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સ્થાનિક રોજગારીના મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સત્ર 8,9, અને 10 સપ્ટેમ્બરે 3 દિવસ ચાલશે. આ ટૂંકા ચોમાસું સત્રમાં ગુજરાત સરકાર જમીન ટુકડા ધારામાં સુધારા સહીતના મહત્ત્વના વિધેયકોને વિધાનસભામાં રજૂ કરશે.
રાજ્યપાલે વિધાનસભાના આગામી નવમા સત્રનું આહ્વાન કર્યું છે. વિધાનસભાના સ્પીકરે વિગતો આપતા કહ્યુ છે કે 8થી 10સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે.
ત્રિદિવસીય આ સત્રમાં ગુજરાતના વિવિધ પ્રશ્નો અને સરકારી ખરડા તેમ જ કામકાજ સમિતિ દ્વારા નિર્ધારીત કરેલા કામ હાથ ધરવામાં આવશે. ધારાસભ્યો ઓનલાઈન પણ વિધાનસભાને પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જમીન ટુકડા ધારા (Prevention of Fragmentation and Consolidation of Holdings Act) માં થનારા સુધારા છે. તાજેતરમાં જ જારી કરાયેલા વટહુકમ બાદ, હવે સત્તાવાર ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરીને પસાર કરવામાં આવશે.
આ કાયદાકીય સુધારાથી કૃષિ ક્ષેત્રે જમીનના નાના ટુકડાઓ પડતા અટકાવવા અને ખેતી લાયક જમીનોના એકત્રીકરણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવશે. મહેસૂલ વિભાગના જાણકારોના મતે, આ સુધારા વિધેયકથી ખેડૂતોને પોતાની જમીનની લે-વેચ અને માલિકી હક્કોના સ્થાનાંતરણમાં વર્ષોથી નડતી વહીવટી અડચણો દૂર થશે. આ ક્રાંતિકારી મહેસૂલી ફેરફારોની સત્તાવાર પ્રક્રિયાઓ પર સમગ્ર રાજ્યના રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્રની નજર ટકેલી છે.
સેંશન દરમિયાન માત્ર સરકારી બિલો જ નહીં, પરંતુ ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલા અતિભારે વરસાદ, રસ્તાઓની બિસ્માર હાલત અને ખેડૂતોને થયેલા પાક નુકસાનીના વળતરનો મુદ્દો પણ જોરશોરથી ઉઠશે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવા માટે પ્રજાલક્ષી પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સ્થાનિક રોજગારીના મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.