કચ્છમાં ઓછા વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી, માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણી મુદ્દે આક્રોશ
ચાલુ ચોમાસાની ઋતુમાં કચ્છ જિલ્લામા સરેરાશ 24.49 ટકા વરસાદ નોંધાયો છે. આખા જિલ્લામાં વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે
કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ થયોો છે. જેને કારણે ખેડૂતો સિંચાઈના પાણીને લઈને ચિંતામાં છે.
હવે કચ્છના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણી વિતરણ મામલે ખેડૂતોમાં ભારે રોષ છે. માંડવી તાલુકાના બાગ ગામની સીમમાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. તેમ છતાં પાણીના અનિયમિત પુરવઠાને કામે સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ વિસ્તારના આશરે 6 ગામના 400 જેટલા ખેડૂતોએ પાણીની અનિયમિતતા મામલે સરકારી તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોનો દાવો છે કે 3 સપ્ટેમ્બરે, 2026ના રોજ રાત્રે કેનાલમાંથી અચાનક પાણી બંધ થઈ જવાને કારણે ખેતરોમાં રાખેલી 25થી 30 પાણીની મોટરો બળી ગઈ છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી વહી રહ્યું હોવા છતાં, યોગ્ય માઈનોર અને સબ-માઈનોર કેનાલનું નેટવર્ક સમયસર સક્રિય નહીં થવાને કારણે ખેડૂતોના ઉભા પાક સુકાવાની ભીતિ છે.
ત્યારે આક્રોશિત ખેડૂતોએ વહેલામાં વહેલા નર્મદાનું નિયમિત અને વ્યવસ્થિત વિતરણ શરૂ કરવાની માગણી કરી છે.
ચાલુ ચોમાસાની ઋતુમાં કચ્છ જિલ્લામા સરેરાશ 24.49 ટકા વરસાદ નોંધાયો છે. આખા જિલ્લામાં વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે. માંડવી તાલુકામાં અત્યાર સુધીમાં પાંચ ઈંચથી પણ ઓછો વરસાદ પડયો છે.