અંબાજીમાં CNG પંપર કાર ખાટલા સાથે અથડાઈ, ખાટલામાં બેઠેલા ટેન્કરચાલકનું મોત
મૃતકના પુત્રે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અંબાજીમાં સીેનજી પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલી એક ઈકો કાર ડ્રાઈવરની ભૂલના કારમે અનિયંત્રિત બની હતી. આ કાર પંપ પાસે મૂકેલા એક ખાટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કરચાલક રાજેન્દ્રસિંહ પરમાર ગંભીરપણે ઈજાગ્રસ્ત થતા મોતને ભેટયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજીના શિવા અંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ગેસ ઉતાર્યા બાદ ઓફિસની બહાર ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ પરમારને સીએનજી ભરાવવા આવેલી એક ઈકો કારે ટક્કર મારી હતી
અકસ્માતમાં ગંભીરપણે ઈજાઓ પામેલા રાજેન્દ્રસિંહને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મામલામાં મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પરમારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હાલ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.