ગુજરાતમાં ઑટોરિક્ષા ભાડું વધશે, મિનિમમ ભાડું 10 રૂ. થી વધીને 25 રૂ. થશે
સીએનજી ભાવવધારા બાદ ઑટોરિક્ષા ચાલકોની માગણી માનીને રાજ્ય સરકારે ભાડાં વધારાને મંજૂરી આપી છે
ગુજરાતમાં તાજેતરમાં સીએનજીના ભાવમાં વધારાએ હવે લોકોના ખિસ્સા દઝાડવાનું શરૂ કર્યું છે. સીએનજીના ભાવમાં વધારા બાદ ઑટોરિક્ષા યૂનિયન દ્વારા ભાડાં વધારાની માગણી સાથે બે દિવસની હડતાળ કરાઈ હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
પણ સીએનજી ભાવવધારા બાદ ઑટોરિક્ષા ચાલકોની માગણી માનીને રાજ્ય સરકારે ભાડાં વધારાને મંજૂરી આપી છે.
નવા રેટ કાર્ડ મુજબ, અત્યાર સુધી પહેલા 1.2 કિલોમીટર માટે 10 રૂપિયાનું મિનિમમ ભાડું હતું, તે વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે. બાદમાં 1.2 કિલોમીટર પછીના પ્રતિ કિલોમીટરે 20 રૂપિયાનો દર લાગુ થશે. તેની સાથે જ ઓટોરિક્ષા મીટરમાં દર 200 મીટરે 24 રૂપિયાનો ચાર્જ ઉમેરાતો જશે.
જ્યારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિર્ધારીત ભાડા પર 50 ટકા રાત્રિ ચાર્જ વસૂલવામાં આવશે. આ સિવાય ટ્રાફિક કે અન્ય કારણોસર રિક્ષા ઉભી રહેશે, તો વેઈટિંગ ચાર્જ પણ પ્રવાસીએ જ ચુકવવો પડશે.
ઓટોરિક્ષાના ભાડામાં વધારાને મંજૂરીથી ઓટોરિક્ષાચાલકોમાં ખુશીનો માહોલ છે.પણ વધેલા ભાડાં ઓટોરિક્ષાનો ઉપયોગ કરનારા ગ્રાહકોના માસિક બજેટમાં વધારો કરશે.