જૂનાગઢનાં ગિરનાર પર એક જ કલાકમાં 1 ઈંચ વરસાદ, દામોદર કુંડમાં પહેલી વખત પાણીની થઈ આવક
ઉપરવાસમાં ગિરનાર પર પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢની કાળવા નદીમાં પાણીની મોટી આવક થઈ છે અને તે બે કાંઠે વહેતી થઈ છે.
જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેર અને આસપાસના પંથકમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને લાંબા વિરામ બાદ મેઘમહેરને કારણે ખેડૂ,તોમાં પણ ભારે ખુશીનો માહોલ છે. વરસાદથી ખેતીના પાકને નવું જીવનદાન મળવાની આશા જાગી છે.
જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના કારણે પવિત્ર દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. ચોમાસાની આ સિઝનમાં પહેલીવાર દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. ગિરનાર પર્વત પર માત્ર એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુપણ ભારે વરસાદની આગાહી કરી છે અને તેના કારણે વરસાદનું જોર વધવાની પુરી શક્યતા છે.
દાતાર પર્વતની સીડીઓ પર પાણી વહેતા જોવા મળ્યા અને આસપાસના નાના-મોટા ઝરણાં જીવંત બન્યા છે. ભારે વરસાદ પડે તો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.
ઉપરવાસમાં ગિરનાર પર પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢની કાળવા નદીમાં પાણીની મોટી આવક થઈ છે અને તે બે કાંઠે વહેતી થઈ છે.
આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને વેરાવળ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તાલાલાના ચિત્રાવડ, ધાવા, રમરેસી, ચિત્રોડ અને ઘુસિયા ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. વેરાવળ પંથકમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ છવાઈ ગયો છે.
ગુજરાતમાં એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 8 જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નવસારી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં મુસળધાર વરસાદની ભીતિ સેવવામાં આવી છે.
તો બીજી તરફ, રાજ્યના અન્ય ભાગો જેવા કે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, તાપી, ડાંગ, નર્મદા અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટ્ટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે.