11,000 વિદ્યાસહાયક ભરતીમાં OBCના 27% હકની માંગ ઉઠી, જિલ્લા રોસ્ટર જાહેર કરવાની થઈ માગણી
ક્યાં જિલ્લામાં ઓબીસી, એસસી, એસટી અને અન્ય કેટેગરી માટે કેટલી બેઠકોની ફાળણી કરવામાં આવી છે, તેની સ્પષ્ટ વિગતો જાહેર કરવાની માગણી પણ ઉઠી છે
ગુજરાતમાં ધોરણ 1થી 5ની 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ઓબીસી (એસઈબીસી)ઉમેદવારોમાં અનામત મુદ્દે ચિંતા જોવા મળી છે. ઓબીસી ઉમેદવારોએ બંધારણીય જોગવાઈ મુજબ, 27 ટકા અનામતનો લાભ મળે અને ભરતી સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવે તેવી માગ સાથે સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
ઉમેદવારોની માગણી છે કે 11,000 વિદ્યાસહાયકોની હાલની ભરતીમાં ઓબીસી માટે 27 ટકા અનામત મુજબની બેઠકોની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવે. અનામતના હિસાબથી એકપણ બેઠક ઓછી ન પડે તે માટે યોગ્ય પ્રમાણમાં બેઠક ફાળવણીની પણ માગણી કરવામાં આવી છે.
ઉમેદવારોએ જિલ્લા આધારીત રોસ્ટર રજિસ્ટર જાહેર કરવાની માગણી કરી છે. તેમાં ક્યાં જિલ્લામાં ઓબીસી, એસસી, એસટી અને અન્ય કેટેગરી માટે કેટલી બેઠકોની ફાળણી કરવામાં આવી છે, તેની સ્પષ્ટ વિગતો જાહેર કરવાની માગણી પણ ઉઠી છે. તેની સાથે કેટેગરી પ્રમાણે જગ્યાઓ અને પસંદગી મેરિટની વિગતો જાહેર કરીને ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય રહે તેના માટે રજૂઆત કરી છે.
ઉમેદવાારોએ અગાઉની ભરતી પ્રક્રિયા બાબતે ગંભીર મુદ્દાઓ ઉઠાવીને રોસ્ટર, ઓછી જગ્યાઓની ફાળવણી અથવા અન્ય પ્રક્રિયાગત ખામીઓના કારણે જો કોઈ લાયક OBC ઉમેદવાર ભરતીથી વંચિત રહ્યો હોય તો આવા કેસોની યોગ્ય સમીક્ષા કરી નિયમ મુજબ ન્યાય આપવામાં આવે તેવી માગણી કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે વર્ષોની મહેનત બાદ ભરતીની તક મેળવનારા લાયક ઉમેદવારોને માત્ર રોસ્ટર અથવા પ્રક્રિયાગત ગેરસમજના કારણે તકથી વંચિત ન રાખવા જોઈએ.ઉમેદવારોએ આ સમગ્ર મુદ્દાને માત્ર ભરતીનો પ્રશ્ન નહીં પરંતુ સામાજિક ન્યાય, બંધારણીય અનામતના હક અને હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો છે.