ગુજરાત HCના ચીફ જસ્ટિસને "ચૂંટણી લડી બતાવો" કહેનાર સામે રોષ, યતીન ઓઝાએ કહ્યુ- "તું HCનો પટાવાળો તો બની બતાવ"
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં.આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન હવે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરશે
સૂરતના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવા અને તેમને માર મારવાના વીડિયો પર ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહી કરીને તેમની બદલી કરી છે. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે સોશયલ મીડિયામાં મુકેશ ગુજરાતી નામના એક નેતા દ્વારા એલફેલ નિવેદનબાજીઓ કરવામાં આવી છે. આ મામલે મુકેશ ગુજરાતી નામના નેતાના સોશયલ મીડિયા એકાઉન્ટમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને એકવાર ચૂંટણી મેદાનમાં આવવા, નો પડકાર ફેંકીને ન્યાયતંત્રની ગરિમા સામે અણછાજતી બેફામ ટીપ્પણી કરવામાં આવી છે.
રાજદીપસિંહ નકુમની બદલીનો નિર્દેશ કરનાર જજને ટાંકીને મુકેશ ગુજરાતીએ સોશયલ મીડિયા એકાઉન્ટ પર વધુ અણછાજતી ટીપ્પણી કરીને લખ્યું છે કે તેઓ એકવાર નકુમસાહેબના અડફેટે ચઢે તો ખબર પડે. આવી બેફામ ટીપ્પણીઓને કારણે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનને કડક વલણ અખત્યાર કરવાની તૈયારી શરૂ કરી છે. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની તાત્કાલિક બેઠક યોજાઈ અને તેમાં ન્યાયતંત્ર સામે કરવામમાં આવેલા નિવેદનોને કડક શબ્દોમાં વખોડવામાં આવ્યા છે.
મુકેશ ગુજરાતી નામના નેતા દ્વારા સોશયલ મીડિયા પર ન્યાયતંત્ર અને ચીફ જસ્ટિસને લઈને કરવામાં આવેલી વાંઘાજનક ટીપ્પણીઓ મામલે બેઠકમાં ચર્ચા થઈ છે અને ન્યાયતંત્રને અસર કરતી આવી ટીપ્પણીઓ સામે કડક વલણ જરૂરી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કરવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ ચીફ જસ્ટિસને એવું કહે કે ‘તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો’ તે ન્યાયતંત્રની ગરિમા સામેની ટિપ્પણી છે. યતીન ઓઝાએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અરે ભાઈ, તારામાં તાકાત હોય તો તું જજ બનીને બતાવ. તું હાઇકોર્ટનો પટાવાળો તો બની બતાવ.
તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં.આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન હવે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરશે અને ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહીમાં એસોસિએશનને પણ જોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. એસોસિએશન તરફથી સમગ્ર મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી માટે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ સાથે, જવાબદાર રાજકીય નેતા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સંબંધિત રાજકીય પક્ષના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પત્ર લખવામાં આવશે. ન્યાયતંત્ર અંગે જાહેર મંચ પર કરવામાં આવતી આવી ટિપ્પણીઓ સામે પક્ષ દ્વારા પણ જવાબદાર નેતા સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.આ મામલે હવે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની રજૂઆત બાદ સમગ્ર મુદ્દે કોર્ટ શું વલણ અપનાવે છે અને સુઓમોટો કાર્યવાહીમાં એસોસિએશનને જોડવા અંગે શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર રહેશે.
તો બીજી તરફ મુકેશ ગુજરાતી નામના સોશયલ મીડિયા એકાઉન્ટ ધારકે પોતાની અગાઉના પોસ્ટના આશયને સ્પષ્ટ કરતા લખ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ તથા ન્યાયતંત્ર પ્રત્યે મને સંપૂર્ણ આસ્થા, આદર અને સમ્માન છે. મારી અગાઉની પોસ્ટનો આશય નામદાર હાઈકોર્ટની ગરિમા, તેની કાર્યવાહી કે તેના કોઈપણ આદેશ અંગે અનાદર વ્યક્ત કરવાનો બિલકુલ ન હતો. સોશયલ મીડિયામાં તેના અંગે જે રીતે અર્થઘટન થઈ રહ્યું છે, તેવો મારો કોઈ આશય ન હતો. આ પોસ્ટના અંતમાં તેમણે વંદે માતરમ પણ લખ્યું છે.