24 કલાકમાં દ.ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના 193 તાલુકાઓમાં વરસાદ, ઉકાઈમાં 11.81 ઈંચ ખાબક્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉમરપાડામાં 8.35 ઈંચ, સુબિરમાં 5.71 ઈંચ, વઘઈમાં 5.67 ઈંચ અને સોનગઢમાં 5.51 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં 4.37 ઈંચ અને ડેડિયાપાડામાં 4.25 ઈંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
આજે 13 સપ્ટેમ્બરે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં ત્રણ ઈંચ અને સુરતના અંબિકા તાલુકામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 48 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 સપ્ટેમ્બરે સવારે 6થી આજે 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 12 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
શનિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે 'એલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.