અમદાવાદ-સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તંત્રમાં દોડધામ
ધમકી ભરેલા ઈમેલમાં અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ મુકવામાં આવ્યાનો દાવો કરાયો છે
અમદાવાદમાં ફરીથી બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભરેલો ઈમેલ મળ્યો છે. તેના પછી અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન - ચેકિંગ હાથ ધરાયું છે.
ધમકી ભરેલા ઈમેલની માહિતી મળતા જ પોલીસ, ફાયરબ્રિગેડ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કોર્ટ પરિસર ખાલી કરાવ્યા અને ત્યારબાદ બીડીડીએસ એટલે કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટીમે સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી.
ધમકી ભરેલા ઈમેલમાં અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ મુકવામાં આવ્યાનો દાવો કરાયો છે. ધમકી બાદ સુરતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ થયું છે. સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડની ટીમો તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસર પહોંચી હતી. કોર્ટમાં હાજર વકીલો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. તેના પછી કોર્ટ પરિસરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમોએ તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ, પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ અને જજ સાહેબોની ચેમ્બર્સનું બારીકાઈથી ચેકિંગ શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ અને ઇમરજન્સી મેડિકલ સ્ટાફને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કોર્ટ બહાર તૈનાત કરવામાં આવ્યા હતા.
ધમકી મળતા અદાલતી કાર્યવાહી અટકાવી દેવાતાં થોડા સમય માટે પરિસર બહાર ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર વિસ્તારને પોલીસે બેરિકેડિંગ કરી કોર્ડન કરી લીધો હતો અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
ઈમેઈલ ક્યાંથી, કયા IP એડ્રેસ પરથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ યુનિટે સમાંતર તપાસ તેજ કરી હતી. સુરક્ષા એજન્સીઓ હાલ કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર દરેક ખૂણે ખૂણો ચકાસી રહી છે. આ પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.