2 રનવે વચ્ચે મસ્જિદ, જુમ્માની નમાજ વચ્ચે કોલકત્તામાં કેમ મચ્યો છે હંગામો?
પશ્ચિમ બંગાળના પાટનગર ખાતેના એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજ પર રોક લગાવાયા બાદ પારો એકદમ ઉંચે પહોંચી ગયો છે. જમીયત -ઉલેમા-એ-હિંદના સિદ્દિકુલ્લાહ ચૌધરીએ રોક છતાં જુમ્માની નમાજ પઢવાનું એલાન કર્યું છે.
કોલકત્તા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં માહોલ ગરમ થયો છે. કોલકત્તા એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવા પર રોક લગાવવામાં આવી છે. મસ્જિદ કમિટી તરફથી મસ્જિદ કોઈક અન્ય ઠેકાણે સ્થાનાંતરીત કરવાની પણ વાત થઈ છે. મસ્જિદ કમિટીના કેટલાક લોકો આના પક્ષમાં છે, તો એક જૂથ આનો ખુલ્લો વિરોધ કરી રહ્યું છે. જમીયત-ઉલેમા-એ-હિંદના સિદ્દિકુલ્લાહ ચૌધરીએ રોક છતાં જુમ્માની નમાજ આ મસ્જિદમાં જ પઢવાનું એલાન કર્યું છે.
સિદ્દિકુલ્લાહ ચૌધરીએ જુમ્માની નમાજ મસ્જિદમાં જ કરાવવાની માગણી પર અક્કડ વલણ અખત્યાર કર્યું છે. જો કે બાદમાં તેઓ બાંકુડા માટે નીકળી ગયા. એરપોર્ટ પાસેના પોતાના નિવાસસ્થાનેથી સિદ્દિકુલ્લાહ ચૌધરી એમ કહીને રવાના થયા કે તેઓ કોલકત્તા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા માટે બિધાનનગર રવાના થઈ રહ્યા છે. આને લઈને હવે કોલકત્તા પોલીસ પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે.
એક સ્થાનિક ઈમામે આને લઈને પોલીસ સાથે વાત કરી છે. પોલીસે ઈમામને આ જાણકારી આપી છે કે એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજની મંજૂરી નથી. પોલીસે ઈમામને કલમ-163 એટલે કે નિષેધાજ્ઞા લાગુ થવાની જાણકારી આપી છે. ઈમામે કહ્યુ છે કે અમે કોઈ અન્ય સ્થળે નમાજ પઢી લઈશું. એરપોર્ટની આસપાસ, મસ્જિદ તરફ જનારી સડકો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી છે.
મસ્જિદ તરફ જનારી દરેક ગલી, દરેક સડક પર સુરક્ષાકર્મીઓનો કડક પહેરો છે. પુરુષ પોલીસકર્મીઓ સાથે મહિલા સુરક્ષાકર્મીઓની પણ તેનાતી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે એરપોર્ટ પરિસરમાં બે રનવે વચ્ચે આવેલી મસ્જિદમાં નમાજ થતી આવી છે, જેના પર પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે રોક લગાવવાની ઘોષણા કરી હતી.
સિદ્દિકુલ્લાહે કર્યું હતું આ એલાન
કોલકત્તા એરપોર્ટ પરિસરની ગૌરીપુર મસ્જિદને લઈને વિવાદ વચ્ચે જમીયત આજે મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરવા અડગ છે, જેને કારણે એરપોર્ટની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. CAPF અને પશ્ચિમ બંગાળ પોલીસના જવાનો તેનાત કરવામાં આવ્યા છે.
જમીયત ઉલેમા એ હિંદ બંગાળના પ્રમુખ સિદ્દિકુલ્લાહ ચૌધરીએ જુમ્મા પર આજે આ મસ્જિદમાં નમાજ પઢવાનું એલાન કર્યું છે. સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યુ છે કે જો તેમને રોકવામાં આવશે, તો આનો વિરોધ કરશે.
સિદ્દિકુલ્લાહ ચૌધરીએ એ પણ એલાન કર્યું હતું કે મુસ્લિમ સમુદાયના લોકો નમાજ માટે મસ્જિદમાં ઘૂસવાની કોશિશ કરશે. તેમના આ નિવેદન બાદ કોલકત્તા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ. સુરક્ષાને લઈને બંકર ક્રોસિંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં સીએપીએફના જવાનોની તેનાતી કરવાની સાથે કોલકત્તા પોલીસે જવાનોને તેનાત કર્યા. આ વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-163 લાગુ કરવામાં આવી છે.