ગુજરાતમાં ચાંદીપુર વાયરસથી 10ના મોત, 150 શંકાસ્પદ કેસોમાંથી 26ના રિપોર્ટ પોઝિટિવ
સેમ્પલની તપાસ દરમિયાન 26 કેસો પોઝિટિવ આવ્યા છે અને 9 સેમ્પલના રિપોર્ટ હાલ વિલંબિત છે. આ ઘાતક વાયરસના કારણે અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોના મોત નીપજ્યા છે. જેમાં રાજસ્થાનના 3 દર્દીઓ પણ સામેલ છે. હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે
ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર વધી રહ્યો છે. તેના કારણે હવે રાજ્યના આરોગ્ય તંત્રની દોડધામ વધી છે અને તે એલર્ટ મોડમાં આવી ગયું છે. ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં કુલ 10ના મોત નીપજ્યા છે અને 26 રિપોર્ટ પોઝિટિવ છે અને 9 સેમ્પલના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.
આરોગ્ય વિભાગના અહેવાલો મુજબ, આખા રાજ્યમાં અત્યાર સુધીમાં 150 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ તમામ કેસોના સેમ્પલ નેશનલ ઈસ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
સેમ્પલની તપાસ દરમિયાન 26 કેસો પોઝિટિવ આવ્યા છે અને 9 સેમ્પલના રિપોર્ટ હાલ વિલંબિત છે. આ ઘાતક વાયરસના કારણે અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોના મોત નીપજ્યા છે. જેમાં રાજસ્થાનના 3 દર્દીઓ પણ સામેલ છે. હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસના શંકાસ્પદ લક્ષણોવાળા 15 કેસો નોંધાયા છે. અહીં પોઝિટિવ અને શંકાસ્પદ મળીને 10 બાળકોના મોત થયા છે. પંચમહાલ જિલ્લામાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે અને ગોધરા તથા હાલોલમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે. ખેડા જિલ્લામાં કઠલાલ, મહુધા અને કપડવંજના વિસ્તારોમાંથી નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 2 દર્દીઓ પોઝિટિવ છે. મહેસાણાના બહુચરાજી અને વડનગરના વિસ્તારોમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
ગાંધીનગર, ભાવનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાં પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે જામનગર, મોરબી, મહીસાગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં પણ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.
ચાંદીપુરા વાયરસ
આ વાયરસની ઓળખ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી થઈ હોવાથી તેનું ચાંદીપુરા વાયરસ નામ પડયું. ચાંદીપુરા વાયરસ રેબ્ડોવિરિડે ફેમિલીનો વાયરસ છે. તે મુખ્યત્વે એક્યુટ એન્કેફાલાઈટિસ સિન્ડ્રોમનું કારણ બને છે. જેના કારણ મગજમાં ગંભીર સોજો આવે છે. આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી વયના બાળકોને ઝડપથી શિકાર બનાવે છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવાના કારણો
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે નાની રેતની માખી એટલે કે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અમુક કિસ્સામાં ઈતરડી પણ આ વાયરસના ફેલાવામાં ભૂમિકા ભજવે છે. રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ એકથી બીજા વ્યક્તિમાં ઉધરસ, છીંક કે સ્પર્શ દ્વારા સીધો ફેલાતો નથી.
ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો
સતત તાવ આવવો, ખૂબ માથું દુખવું, ઉલટી થવી, શરીર અને સ્નાયુઓમાં ભારે દુખાવો તથા નબળાઈ, બાળક ચીડિયું થઈ જવું અથવા અસામાન્ય ઉંઘ આવવી, ખેંચ કે આંચકી આવવી અને ગંભીર કિસ્સાઓમાં મગજ પર અસર થવાથી દર્દી બેભાન પણ થઈ જાય છે.
હાલ ચાંદીપુરા વાયરસ સામે સુરક્ષા આપતી કોઈ ચોક્કસ રસી કે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી. સમયસર લક્ષણ આધારીત સપોર્ટિવ મેડિકલ કેરથી દર્દીનો જીવ બચાવી શકાય છે.
ચાંદીપુરા વાયરસથી બચવા માટે બાળકોને હંમેશા મચ્છદાનીમાં સુવડાવવા જોઈએ. ઘરની આસપાસ ભેજ, કચરો, ગંદકી થવા દેવી નહીં. સેન્ડ ફ્લાયથી બચવા કીટનનાશક સ્પ્રે કે રિપેલન્ટ વાપરવા. બહાર રમતા બાળકોને શરીર પુરેપુરું ઢંકાય તેવા કપડાં પહેરાવા. જો ચાંદીપુરા વાયરસના કોઈ લક્ષણ દેખાય તો તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા.