ફ્લાવર શો માટે હવે ₹20 વધુ ચૂકવવા પડશે, અટલબ્રિજ ન જવું હોય તો પણ ટિકિટના પૈસા વસૂલાશે!
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2027ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મુલાકાતીઓના ખિસ્સા પર વધુ ભાર મૂક્યો છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા ફ્લાવર શોની ટિકિટના ભાવમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વખતે ફ્લાવર શોની ટિકિટમાં અટલબ્રિજની મુલાકાત પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે, મુલાકાતીઓને અટલબ્રિજ જોવામાં રસ ન હોય તો પણ તેની કિંમત ટિકિટમાં ચૂકવવી પડશે.
એક તરફ દર વર્ષે ફ્લાવર શોના આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ આવક અને મુલાકાતીઓની સંખ્યાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે AMCએ ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.
ફ્લાવર શોની નવી ટિકિટના દર કેટલા?
AMCની રિક્રિએશન કમિટીએ નવા ટિકિટ દરને મંજૂરી આપી છે. 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે હવે નીચે મુજબના ભાવ રહેશે:
- સોમવારથી શુક્રવાર: ₹100
- શનિવાર અને રવિવાર: ₹120
વર્ષ 2026માં સામાન્ય દિવસોમાં ₹80 અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે ₹100 ટિકિટ હતી. એટલે કે બંને કેટેગરીમાં ₹20નો વધારો થયો છે.
શરૂઆતમાં AMC દ્વારા ₹120 અને ₹150ની ટિકિટની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ અંતિમ નિર્ણયમાં ભાવ ઘટાડીને ₹100 અને ₹120 નક્કી કરવામાં આવ્યા છે. શનિવાર અને રવિવારે મુલાકાતીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી વીકએન્ડ માટે અલગ દર રાખવામાં આવ્યો છે.
અટલબ્રિજ ન જવું હોય તો પણ પૈસા ચૂકવવા પડશે!
આ વખતે ફ્લાવર શોની ટિકિટ સાથે અટલબ્રિજની મુલાકાત પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે મુલાકાતીઓએ ફ્લાવર શો અને અટલબ્રિજ માટે અલગ-અલગ ટિકિટ લેવાની જરૂર નહીં રહે.
પરંતુ અહીં એક સવાલ ઊભો થાય છે કે જે લોકોને માત્ર ફ્લાવર શો જોવો છે અને અટલબ્રિજ પર જવું નથી, તેમણે પણ સંયુક્ત ટિકિટના પૈસા ચૂકવવા પડશે.
આ નિર્ણયથી મુલાકાતીઓને એક જ ટિકિટમાં બે સ્થળની મુલાકાતનો વિકલ્પ મળશે, પરંતુ માત્ર ફ્લાવર શો જોવા માંગતા લોકો માટે અલગ ટિકિટનો વિકલ્પ ન હોવાનો મુદ્દો ચર્ચામાં આવી શકે છે.
1થી 18 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી 2027 સુધી ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. આ વખતે આયોજન પાછળ અંદાજે ₹25 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ફ્લાવર શોમાં ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા આશરે 60 જેટલા સ્કલ્પચર્સ અને વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે.
આ વખતના ફ્લાવર શોમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષક પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે.
- 30 મીટરથી વધુ લાંબી વ્હેલ માછલી
- વિશાળ ઓક્ટોપસ
- મહાત્મા ગાંધીની દાંડીયાત્રા
- સરદાર વલ્લભભાઈ પટેલ
- અમદાવાદના હેરિટેજ દરવાજા
- જૂની અમદાવાદની પોળ
- ચબૂતરો
- સૂર્ય નમસ્કાર
- પંચતંત્રની વાર્તાઓ
- બાંધણી પ્રિન્ટની ડિઝાઇન
ફ્લાવર શોની ટિકિટ મોંઘી કરીને AMC શું મેળવવા માંગે છે?
ફ્લાવર શો પાછળનો ખર્ચ વધતો જાય છે અને તેની સામે આવક કેટલી થાય છે તે અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે ટિકિટના દરમાં વધારો કરવાથી AMCની આવકમાં કેટલો વધારો થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
બીજી તરફ, ટિકિટ મોંઘી થવાથી સામાન્ય પરિવારોના બજેટ પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને પરિવાર સાથે ફ્લાવર શો જોવા જતાં લોકોને હવે અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડશે.
મહત્વનો સવાલ એ છે કે AMCએ માત્ર ટિકિટના દર વધારવાને બદલે મુલાકાતીઓ માટે અલગથી ફ્લાવર શો અને અટલબ્રિજની ટિકિટનો વિકલ્પ કેમ ન આપ્યો? જે લોકોને અટલબ્રિજ જોવો જ નથી, તેમના માટે આ કોમ્બો ટિકિટ કેટલી યોગ્ય છે?
એક તરફ દર વર્ષે ફ્લાવર શોના આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ આવક અને મુલાકાતીઓની સંખ્યાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે AMCએ ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.