‘ઓપરેશન હેલ્થ’માં હાઈવે હોટેલોથી ફ્રોઝન ડેઝર્ટ સુધી તવાઈ
રાજ્યભરમાં 1,477 સ્થળે તપાસ, 175 હોટેલોને નોટિસ; 14 હોટેલમાંથી શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરાયો
ગાંધીનગર....
રાજ્યમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ચાલતા ઓપરેશન હેલ્થ’ માં આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા હાઈવે હોટેલો સહિત કુલ 1,477 સ્થળે તપાસ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાઈવે હોટેલોના રસોડામાં ગંદકી મળી
રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી 691 હોટેલોમાં તપાસ દરમિયાન 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ હોટેલોને નોટિસ આપી સફાઈ અને જરૂરી સુધારા કરવા ફરજ પાડવામાં આવ્યા હતા. જ્યારે 516 હોટેલોને પણ ફૂડ સેફ્ટીના નિયમોનું વધુ ચુસ્તપણે પાલન કરવા સૂચના અપાઈ છે.
14 હોટેલમાંથી શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળ્યો
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલી તપાસ દરમિયાન 14 હોટેલમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટમાં ખામી સાબિત થશે તો સંબંધિત સંચાલકો સામે કોર્ટ કેસથી લઈને એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચવા પર તંત્રની નજર
રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના 786 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 590 એકમોમાં આઈસ્ક્રીમ, 32માં માત્ર ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું. ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે સંબંધિત એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
ફૂડ પોઈઝનિંગ થાય તો હોટેલ સંચાલક જવાબદાર
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે. સ્ટાફ અને વેઈટર્સ માટે હેન્ડ ગ્લોવ્ઝ તથા કેપ સહિતની સ્વચ્છતા જાળવવાની સૂચનાઓ આપવામાં આવી છે. ભવિષ્યમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવાથી ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે તો તેની જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે.