અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 25 ડિસેમ્બરથી 24 દિવસ સુધી જામશે, ખરીદી અને મનોરંજનનો મહોત્સવ
અમદાવાદ શહેરના વેપાર-ધંધાને વેગ આપવા અને નાગરિકોને ખરીદીની સાથે મનોરંજન તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અનોખો અનુભવ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા **‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2026-27’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25 ડિસેમ્બર, 2026થી 17 જાન્યુઆરી, 2027 સુધી સતત 24 દિવસ આ મહોત્સવ ચાલશે. આ વખતે ફેસ્ટિવલને શહેરવ્યાપી બનાવવા માટે 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 7 મુખ્ય શોપિંગ હોટસ્પોટ તૈયાર કરવામાં આવ્યા છે.
6 અગ્રણી સંસ્થાઓ ડિઝાઇન કરશે 6 થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ
આ વર્ષના શોપિંગ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ તેની થીમ આધારિત સ્ટ્રીટ્સ છે. શહેરની 6 પ્રતિષ્ઠિત શૈક્ષણિક અને ડિઝાઇન સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા નિષ્ણાતો દ્વારા આ વિસ્તારોને ખાસ ઓળખ આપતી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે:
1. ફેશન સ્ટ્રીટ (સિંધુભવન રોડ): નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.
2. ફ્લાવર સ્ટ્રીટ (સાબરમતી રિવરફ્રન્ટ): નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) દ્વારા તૈયાર કરવામાં આવશે.
3. ક્રાફ્ટ સ્ટ્રીટ (નિકોલ): CEPT યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.
4. સેન્ટ્રલ પાર્ક (વસ્ત્રાપુર): નિર્મા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે.
5. હેરિટેજ પોલ સ્ટ્રીટ (માણેકચોક અને રતનપોળ): અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.
6. જ્વેલરી સ્ટ્રીટ (સી.જી. રોડ): કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે.
શહેરના 7 મુખ્ય શોપિંગ હોટસ્પોટ બનશે આકર્ષણનું કેન્દ્ર
ફેસ્ટિવલનો લાભ સમગ્ર શહેરના નાગરિકો અને વેપારીઓને મળે તે માટે AMC દ્વારા 7 કોમર્શિયલ હબને શોપિંગ હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ખરીદી પર વિશેષ ઑફર્સ અને લાઇવ મનોરંજન કાર્યક્રમો યોજાશે:
• પેલેડિયમ મોલ
• બોપલ-આંબલી રોડ
• રાજપથ રંગોલી રોડ
• લો ગાર્ડન
• કાંકરિયા
• વિસ્તૃત ચાંદખેડા-મોટેરા વિસ્તાર
• કંકુ બાગ મોલ અને દેવ મોલ (વસ્ત્રાલ)
લકી ડ્રો અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા
ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા ગ્રાહકો માટે વિશેષ રેફલ અને લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. નાગરિકો, વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ સરળતાથી જોડાઈ શકે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ પણ શરૂ કરાયા છે.
ફેસ્ટિવલમાં ભાગ લેવા ઇચ્છુક મુલાકાતીઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાસ બુકિંગ પોર્ટલ પર જઈને ઓનલાઈન પાસ બુક કરાવી શકે છે. વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે રજિસ્ટ્રેશન: સ્થાનિક દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડર્સ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બિઝનેસ રજિસ્ટ્રેશન પોર્ટલ મારફતે પોતાનું નામ નોંધાવી શકે છે. વેબસાઇટ ઉપરાંત એન્ડ્રોઇડ (Android) અને iOS મોબાઇલ એપ્લિકેશન પરથી પણ રજિસ્ટ્રેશન તથા ફેસ્ટિવલની તમામ અપડેટ્સ મેળવી શકાશે.