ગુજરાતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે સરકારની લાલ આંખ, ડુપ્લીકેટ ઘી અને એનાલોગ પનીર બનાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યભરના ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ | હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના ધોરણોનું ચુસ્ત પાલન કરાવવા વિભાગને કડક સૂચના
ગાંધીનગર ...
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત ખાતેથી રાજ્યભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડુપ્લીકેટ ઘી, એનાલોગ પનીર, ચીઝ, બટર સહિત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ઉત્પાદકો અને વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. ડુપ્લીકેટ ઘી તેમજ એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ અને કેરીના રસ સહિતના ઉત્પાદનોમાં પામ ઓઈલનો ભેળસેળયુક્ત ઉપયોગ કરીને નકલી ખાદ્ય સામગ્રી બનાવતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના રેપર પર માત્ર 'ઘી' લખીને પામ ઓઈલ જેવા ઉત્પાદનોનું વેચાણ કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદકો સામે પણ કાયદેસરના કેસ કરવામાં આવશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ્રીટમાં સ્વચ્છતાના ધોરણો તથા SOPનું ચુસ્ત પાલન કરાવાશે. સીલ ખોલીને માલની હેરાફેરી કરનારાઓ સામે પોલીસના સહયોગથી FIR દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બનશે. સરકારનું મુખ્ય લક્ષ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાનું છે.
બેઠક દરમિયાન રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનાવવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની દંડાત્મક કાર્યવાહી, ખાદ્ય પદાર્થોના સેમ્પલિંગ અને ઇમરજન્સી સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના પ્રાદેશિક નાયબ નિયામકો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.