પાટણમાં ધોળા દિવસે ગોળીઓ વરસી એનું કારણ ચોંકાવી દેશે,કુખ્યાત ભાવેશ ઝીલીયા સાથે ખાસ કનેક્શન
ગુજરાતમાં ગુનાખોરીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં વહેલી સવારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખસોએ શ્રેય ફિટનેસના માલિક દલપતસિંહ ઠાકોરને નિશાન બનાવી અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સદનસીબે આ હુમલામાં દલપતસિંહનો આબાદ બચાવ થયો છે.
જીમ પહોંચતા જ બાઇક સવારોએ કર્યો ગોળીબાર
મળતી માહિતી અનુસાર, પાટણના હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક અને આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલમાં શ્રેય ફિટનેસ જીમ આવેલું છે. મંગળવારે વહેલી સવારે દલપતસિંહ ઠાકોર પોતાના રોજિંદા કામકાજ મુજબ જીમ ખાતે પહોંચ્યા હતા.
આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસોએ તેમના પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ બાઇક પર જ ફરાર થઈ ગયા હતા.
6 ખાલી કારતૂસ મળતાં પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા સહિત DYSP, LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
ઘટનાસ્થળેથી છ જેટલા ખાલી કારતૂસ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે. FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ
બે અજાણ્યા શખસો બાઇક પર આવીને ગોળીબાર કર્યા બાદ ફરાર થઈ જતાં પોલીસ દ્વારા તેમની ઓળખ મેળવવા માટે આસપાસના CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. હુમલામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો, હુમલાખોરો કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.
ભાવેશ ઝીલિયા પરના હુમલાના કેસ સાથે શું છે કનેક્શન?
મળતી પ્રાથમિક માહિતી મુજબ, દલપતસિંહ ઠાકોરનું નામ અગાઉ કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હોવાનું જણાવાય છે. આ પૃષ્ઠભૂમિને કારણે હાલના ફાયરિંગ પાછળ જૂની અદાવત છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
જોકે, હાલના ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
પાટણમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો
શહેરના વ્યસ્ત ગણાતા હાસાપુર વિસ્તારમાં જીમની બહાર આ રીતે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બનતાં સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર હુમલાખોરોને ઓળખીને ઝડપી પાડવાનો અને ફાયરિંગ પાછળનું સાચું કારણ બહાર લાવવાનો છે.