મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ,આ કોળી નેતાએ પાટીદાર અગ્રણીઓને કહી દીધા 'જ્ઞાતિવાદના કીડા'
ગુજરાતના રાજકારણમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બની છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યા બાદ પાટીદાર આગેવાનો વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળી મેદાનમાં આવ્યા છે અને બંને પાટીદાર આગેવાનો સામે આકરા શબ્દોમાં પ્રહાર કર્યા છે.
પબુભા માણેકના નિવેદનથી શરૂ થયો વિવાદ
સમગ્ર વિવાદની શરૂઆત દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગથી થઈ હતી. આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન પબુભા માણેકે કોળી સમાજને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી બીજા ક્રમે છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ. તેમણે સમાજના યુવાનોને રાજકીય રીતે જાગૃત થવાની પણ અપીલ કરી હતી.
વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયાથી વિવાદ વધ્યો
પબુભા માણેકના આ નિવેદન બાદ પાટીદાર આગેવાન વરુણ પટેલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પબુભા માણેકને ભાજપના સમર્થન વિના ચૂંટણી લડીને બતાવવાનો પડકાર આપ્યો હતો.
બીજી તરફ દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોવા જોઈએ. આ નિવેદનો બાદ કોળી સમાજના મુખ્યમંત્રીના મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બની હતી.
D
પિન્ટુ કોળીએ બંને આગેવાનોને આપ્યો જવાબ
હવે કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીએ વીડિયો મારફતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાને સંબોધીને કહ્યું કે તેઓ આખા પાટીદાર સમાજની વાત નથી કરી રહ્યા, પરંતુ આ બંને આગેવાનોને જવાબ આપી રહ્યા છે.
પિન્ટુ કોળીએ સવાલ ઉઠાવ્યો કે પટેલ સમાજને જ રાજગાદી ભોગવવી છે અને કોળી-ઠાકોર સમાજને શું માત્ર દાળીયું કરવા માટે રાખવામાં આવ્યો છે?
તેમણે વધુમાં કહ્યું કે પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવાની વાત કરી ત્યારે કેટલાક લોકોને જાણે પેટમાં બળતરા થઈ હોય તેમ વિરોધ શરૂ થઈ ગયો. શું કોળી સમાજનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે જ કરવાનો છે?
પિન્ટુ કોળીએ પોતાના નિવેદનમાં વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાને જ્ઞાતિવાદી માનસિકતા છોડવાની સલાહ આપતાં તેમને 'જ્ઞાતિવાદના કીડા' કહીને આકરા પ્રહાર કર્યા હતા.
બાબા સાહેબ આંબેડકરના બંધારણનો આપ્યો હવાલો
પિન્ટુ કોળીએ પોતાના નિવેદનમાં બંધારણ અને સમાનતાના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપ્યો છે. તો પછી મુખ્યમંત્રી પદ માટે કોઈ એક સમાજનો જ આગ્રહ કેમ રાખવામાં આવે છે?
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે એક સમાજના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાનાં ફંડ ફાળવવામાં આવે છે, જ્યારે કોળી સમાજના વિકાસની વાત આવે ત્યારે અવગણના કરવામાં આવે છે.
પિન્ટુ કોળીએ પોતાના નિવેદનમાં એવો દાવો પણ કર્યો કે આઝાદી બાદ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવાની તક મળી નથી અને માધવસિંહ સોલંકીનો ઉલ્લેખ કરતાં ભૂતકાળની રાજકીય ઘટનાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.
પરસોત્તમ સોલંકીએ પણ કોળી સમાજની માંગને સમર્થન આપ્યું
આ વિવાદ વચ્ચે 17 નવેમ્બરે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કોળી સમાજને વિધાનસભામાં વધુ બેઠકો મળવી જોઈએ તેમ જણાવ્યું હતું અને પબુભા માણેકની માંગમાં તથ્ય હોવાની વાત કરી હતી. આ નિવેદનથી કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
હવે ગુજરાતના રાજકારણમાં આગળ શું થશે?
એક તરફ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે, તો બીજી તરફ પાટીદાર આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાની વાત કરવામાં આવી રહી છે. હવે પિન્ટુ કોળીના આકરા નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
આ સમગ્ર વિવાદ આગામી સમયમાં કઈ દિશામાં આગળ વધે છે અને ભાજપના નેતાઓ આ મુદ્દે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.