ગુજરાતભરમાં આજથી ‘ઓપરેશન હેલ્થ’: હોટલ-રેસ્ટોરન્ટ અને ઢાબામાં સઘન ચેકિંગ
હાઇવેની ખાણીપીણીની જગ્યાઓથી શહેરની હોટલો સુધી તપાસ; ભેળસેળ અને ગંદકી મળતાં કડક કાર્યવાહી
ગાંધીનગર.....
ગુજરાતમાં આજથી રાજ્યવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં નેશનલ અને રાજ્યના મુખ્ય હાઇવે પર આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સહિત શહેરોના ફૂડ એકમોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવશે.
હાઇવેની હોટલ-ઢાબા પર નજર
તપાસ દરમિયાન હાઇવે પરની હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં બનતા અને પીરસાતા ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તથા કર્મચારીઓની હાઇજિન ચકાસવામાં આવશે. રસોઈ બનાવતા કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સ્વચ્છતા જાળવાય છે કે નહીં તેની પણ તપાસ થશે.
શંકા જણાય ત્યાં સેમ્પલિંગ
તપાસ દરમિયાન ખાદ્યપદાર્થની ગુણવત્તા અંગે શંકા જણાય તો સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવશે. ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર એકમો સામે નોટિસ, લાઇસન્સ સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે
ખાદ્ય ચીજોનું સ્થળ પર જ થશે ટેસ્ટિંગ
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ખાદ્યચીજોના સ્થળ પર જ ટેસ્ટિંગ કરાશે. અને ટેસ્ટિંગમાં ગુણવત્તા વિનાનું ખાદ્ય પદાર્થ સામે આવશે તો તેવા એકમો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે
અભિયાન બાદ ખરેખર સુધારો આવશે?
હાઇવે ઉપર મુસાફરોને અખાદ્ય અથવા નબળી ગુણવત્તાનો ખોરાક પીરસતી હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટ સામે અગાઉ પણ સવાલો ઉઠતા રહ્યા છે. હવે સરકાર દ્વારા હાથ ધરાયેલા આ અભિયાન બાદ મુસાફરોને ખરેખર સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને વ્યાજબી ભાવે ખોરાક મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે માત્ર ચેકિંગ પૂરતું અભિયાન બની ન રહે અને નિયમોનો ભંગ કરનારા એકમો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું રહેશે.