અમદાવાદમાં વાસ્તુપૂજનમાં દારૂની મહેફિલ થઈ પણ પોલીસના દરોડામાં કશું ન મળ્યું
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વાસ્તુપૂજનના પ્રસંગે કથિત દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં 15 નવેમ્બરના રોજ યોજાયેલા વાસ્તુપૂજનના કાર્યક્રમનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં કેટલાક લોકો દારૂ અને બિયર સાથે જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસના જણાવ્યા મુજબ મકાનમાં દરોડા દરમિયાન દારૂની એકપણ બોટલ મળી આવી નથી. આ મામલે મકાન માલિક સહિત ચાર લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વાસ્તુપૂજનના કાર્યક્રમ બાદ દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં 15 નવેમ્બરના રોજ મકાન માલિક ધીરજ પરમારના ઘરે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સગા-સંબંધીઓ અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મોટા પાત્રમાં બરફ, લીંબુ અને અન્ય વસ્તુઓ સાથે દારૂ મિક્સ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક લોકો એકસાથે દારૂ પીતા અને ચિયર્સ કરતા જોવા મળતા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે.
આ ઉપરાંત એક મહિલાના હાથમાં બિયરના ટીન સાથે ડાન્સ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
મહારાષ્ટ્રથી આવેલા મહેમાનોએ બનાવ્યો હતો વીડિયો
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, 15 નવેમ્બરના રોજ ધીરજ પરમારના ઘરે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રથી તેમના સગા-સંબંધીઓ અને મિત્રો મહેમાન તરીકે આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં ફાલ્ગુનીબેન, પલકેશ પરમાર અને કરણ પરમાર સહિતના લોકો જોવા મળે છે. આ વીડિયો કાર્યક્રમ દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી અને વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ તથા તેમની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી હતી.
મકાન માલિક સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો
આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં 20 નવેમ્બરના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે પોલીસ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે મકાન માલિક ધીરજકુમાર કેશવલાલ પરમાર, ફાલ્ગુની રમેશભાઈ પરમાર, દક્ષ પ્રહલાદભાઈ ગોહિલ અને પલકેશ રમેશભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો છે.
આ તમામ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 75(એ) અને 85(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે કથિત દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે લાવ્યો હતો અને વીડિયોમાં દેખાતા લોકો પાસે દારૂ અંગે કોઈ કાયદેસરની પરમિટ હતી કે નહીં.
પોલીસનો દાવો: દરોડા દરમિયાન દારૂની એકપણ બોટલ મળી નહીં
આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી તો કરી, પરંતુ મકાનમાં દરોડા દરમિયાન દારૂની બોટલ કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ, મકાનની તપાસ કરવામાં આવી હતી અને ત્યાં વીડિયોમાં દેખાતી વસ્તુઓ પણ મળી આવી નહોતી. જોકે, વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ, તેમના રહેઠાણ, વ્યવસાય અને પરમિટ સહિતની વિગતોની તપાસ ચાલુ છે.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે મહેમાનો કઈ જગ્યાએથી દારૂ લાવ્યા હતા અને સમગ્ર ઘટનામાં કોની કેટલી ભૂમિકા હતી.
મકાન માલિકે શું કહ્યું?
મકાન માલિક ધીરજ પરમારે પૂછપરછ દરમિયાન કથિત દારૂની મહેફિલ અંગે પોતે અજાણ હોવાનો દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, તેમના તરફથી દારૂની કોઈ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું નહોતું. મહારાષ્ટ્ર અથવા અન્ય જગ્યાએથી આવેલા મહેમાનો પોતાની રીતે આવી વસ્તુઓ લાવ્યા હોય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
વાસ્તુપૂજનમાં ધારાસભ્ય પાયલ કૂકરાણીની હાજરી પણ ચર્ચામાં
આ સમગ્ર મામલે નરોડાના ભાજપના ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની વાસ્તુપૂજન કાર્યક્રમમાં હાજરી પણ ચર્ચાનો વિષય બની છે.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, તેમને ધાર્મિક પ્રસંગનું આમંત્રણ મળ્યું હતું અને સ્થાનિક કાર્યકરના આગ્રહ તથા પરિવારના આર્મીમાં ફરજ બજાવતા સભ્યના સંદર્ભને ધ્યાનમાં રાખીને તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ બપોરના સમયે વાસ્તુપૂજનના ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં અને ત્યાં કોઈ દારૂની મહેફિલ યોજાઈ હોવાની તેમને જાણ નહોતી. જો આવું કંઈ બન્યું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.
હવે પોલીસની તપાસ પર સૌની નજર
સરદારનગરમાં વાસ્તુપૂજનના પ્રસંગે કથિત દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને વીડિયોમાં અનેક લોકો દેખાતા હોવા છતાં ચાર લોકો સામે જ ગુનો નોંધાયો હોવાની બાબત ચર્ચામાં છે.
બીજી તરફ, પોલીસનું કહેવું છે કે દરોડામાં દારૂ મળ્યો નથી અને વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ તથા તેમની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.
હવે પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી આવ્યો હતો, વીડિયોમાં કોણ-કોણ સામેલ હતું અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.